- T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 1 જૂનથી થશે
- આ ટૂર્નામેન્ટ યુએસ અને વેસ્ટે ઈન્ડિઝમાં રમાશે
- IPL 2024ની વચ્ચે ટીમ ઈન્ડિયાની થશે જાહેરાત
T20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. આ મહિનાના અંતમાં વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી થઈ શકે છે. પસંદગીકારો IPL 2024માં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. જોકે, 3 ખેલાડીઓ એવા છે જેમના ખરાબ ફોર્મે પસંદગીકારોની ચિંતા વધારી દીધી છે. વર્લ્ડકપની ટીમમાં આ ખેલાડીઓનું સ્થાન લગભગ નિશ્ચિત માનવામાં આવતું હતું. જેમાં ભારતીય ટીમના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાનો પણ સમાવેશ થાય છે.
હાર્દિક પંડ્યા
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનું IPL 2024માં અત્યાર સુધીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. અત્યાર સુધી તેણે 6 મેચમાં 26.20ની એવરેજ અને 145.55ની સ્ટ્રાઈક રેટથી 131 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે દિલ્હી કેપિટલ્સ સામે સૌથી વધુ 39 રનની ઇનિંગ્સ રમી હતી. બોલિંગમાં તે કંઈ ખાસ કમાલ કરી શક્યો ન હતો અને માત્ર 3 વિકેટ જ લેવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન તેણે 2 મેચમાં બોલિંગ પણ કરી ન હતી. વર્લ્ડકપની ટીમમાં હાર્દિકનું સ્થાન લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. જો તેનું ખરાબ પ્રદર્શન ચાલુ રહેશે તો પસંદગીકારો શિવમ દુબેના નામ પર પણ વિચાર કરી શકે છે.
સૂર્યકુમાર યાદવ
ઈજાના કારણે સૂર્યકુમાર યાદવ IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ 3 મેચ રમી શક્યો ન હતો. આ પછી તે દિલ્હી કેપિટલ્સ સામેની ચોથી મેચમાં પરત ફર્યો હતો. જો કે આ મેચમાં તે ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો અને પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. સૂર્યાએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે શાનદાર વાપસી કરી હતી અને 52 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની છેલ્લી મેચમાં સૂર્યા ફરી એકવાર શૂન્યનો શિકાર બન્યો હતો. આવી સ્થિતિમાં રિયાન પરાગ વર્લ્ડકપ માટે ચોથા નંબર પર પોતાનો દાવો રજૂ કરી રહ્યો છે. રિયાન આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે.
મોહમ્મદ સિરાજ
T20 વર્લ્ડકપ 2024 માટે જસપ્રીત બુમરાહનો પાર્ટનર મોહમ્મદ સિરાજ IPL 2024માં નિરાશ દેખાઈ રહ્યો છે. તેણે અત્યાર સુધી રમાયેલી 6 મેચમાં માત્ર 4 જ સફળતા મેળવી છે. આ સમયગાળા દરમિયાન સિરાજ પણ ઘણો મોંઘો સાબિત થયો છે. આવી સ્થિતિમાં, પસંદગીકાર T20 વર્લ્ડકપ 2024 માટે મયંક યાદવ અથવા અર્શદીપ સિંહ પર વિશ્વાસ કરી શકે છે.