ક્રિકેટનો ઈતિહાસ ઘણો જૂનો છે અને સમયાંતરે આ રમતના નિયમોમાં ફેરફાર જોવા મળે છે. આ નિયમોનું યોગ્ય રીતે પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે ક્રિકેટ બોર્ડે શિસ્ત સમિતિની પણ રચના કરી છે. જો કે, આ પછી પણ, ખેલાડીઓ આ નિયમોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખે છે. આવો જ એક કિસ્સો કાઉન્ટી ક્રિકેટમાં જોવા મળ્યો છે, જ્યાં એસેક્સના કાઉન્ટી ખેલાડી ફિરોઝ ખુશીએ ગેરકાયદેસર બેટનો ઉપયોગ કર્યો હતો. તેના આ કૃત્ય બાદ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સમગ્ર એસેક્સ ટીમને સજા ફટકારી છે.
ફિરોઝ ખુશીએ નિયમો કરતા વધુ પહોળા બેટનો ઉપયોગ કર્યો
મળતી માહિતિ અનુસાર ફિરોઝ ખુશીએ નિર્ધારિત નિયમો કરતા વધુ પહોળા બેટનો ઉપયોગ કર્યો હતો અને મામલાની તપાસ બાદ હવે તેને અને તેની આખી ટીમને આ કારણે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. તમને જણાવી દઈએ કે એસેક્સે નોટિંગહામશાયરને હરાવીને 20 પોઈન્ટ્સ મેળવ્યા હતા અને આ મામલા બાદ તેના 12 પોઈન્ટ્સ કપાઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં જો કોઈ આવી ભૂલ કરતા જોવા મળશે તો ટીમના અડધા પોઈન્ટ કાપી લેવામાં આવશે.
એસેક્સ ક્લબે માફી માંગી
ECBની કાર્યવાહી બાદ એસેક્સ ક્રિકેટ ક્લબે માફી માંગી છે અને નિવેદન જારી કર્યું છે. તેણે પોતાના નિવેદનમાં કહ્યું, 'અમે જે કર્યું છે તેનો અમને પસ્તાવો છે અને આ માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા જે પણ સજા આપવામાં આવશે, અમે તેનો સ્વીકાર કરીએ છીએ. ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે માટે અમે પ્રયાસ કરીશું. અમે ક્રિકેટના તમામ પ્રકારના નિયમોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
શું છે નિયમ?
ક્રિકેટના નિયમો બનાવતી સંસ્થા MCC કહે છે કે બેટની લંબાઈ 38 ઈંચ સુધી હોવી જોઈએ. બેટની પહોળાઈ 4.25 ઈંચથી વધુ ન હોવી જોઈએ. બેટની બાજુઓ 1.56 ઇંચથી વધુ ન હોવી જોઈએ અને બેટનું વજન 3 પાઉન્ડ (લગભગ 1300 ગ્રામ) કરતાં વધુ ન હોવું જોઈએ.