લોકો જેના મોટાપાની મજાક ઉડાવતા હતા અને તેને દુનિયાનો સૌથી જાડો ખેલાડી કહેતા હતા. હવે આ ખેલાડીએ પોતાની બોલિંગથી બધાને ચોંકાવી દીધા છે. આ બોલરને પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. 137 કિલો વજન ધરાવતા આ ખેલાડીએ મેચમાં 4 ઓવરમાં 16 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
કોણ છે આ ખેલાડી?
આ ખેલાડી વેસ્ટ ઈન્ડિઝના રહકીમ કોર્નવોલ છે, જેમનું વજન લગભગ 137 કિલો છે. આટલું વજન હોવા છતાં તે કેરેબિયન પ્રીમિયર લીગમાં પોતાની જબરદસ્ત બોલિંગથી લોકોને આકર્ષી રહ્યો છે. કોર્નવોલ આ લીગમાં બાર્બાડોસ રોયલ્સ તરફથી રમી રહ્યો છે.
કોર્નવોલે કેવું પ્રદર્શન કર્યું?
બાર્બાડોસ રોયલ્સ તરફથી રમતા રહેકીમ કોર્નવોલે સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિઓટ્સ સામે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 16 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શનને કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. રહકીમ કોર્નવોલે વિનાશક બેટ્સમેનથી ભરેલી સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સની અડધી ટીમને પેવેલિયન પરત મોકલી દીધી હતી. જેના કારણે ટીમ 19.1 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને માત્ર 110 રન જ બનાવી શકી હતી. રહકીમ કોર્નવોલે કેપ્ટન આન્દ્રે ફ્લેચર, માઈકલ લુઈસ, વાનિન્દુ હસરાંગા, ઓડીયન સ્મિથ અને રિયાન જોનની વિકેટ લીધી હતી.
મેચનું પરિણામ કેવું આવ્યું?
111 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાર્બાડોસ રોયલ્સે 11.2 ઓવરમાં 113 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ખતરનાક ફોર્મમાં ચાલી રહેલા ક્વિન્ટન ડી કોકે 38 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 59 રનની અણનમ ઈનિંગ રમી હતી. જ્યારે, એલીક અથાન્જેએ 15 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 22 રનની અણનમ ઇનિંગ રમી હતી.