- જયસ્વાલે રાજકોટ ટેસ્ટમાં શાનદાર ઈનિંગ રમી
- આ બેટ્સમેને 236 બોલમાં 214 રન બનાવ્યા
- આ ઇનિંગમાં 14 ફોર અને 12 સિક્સર ફટકારી
ટીમ ઈન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલે રાજકોટ ટેસ્ટમાં શાનદાર ઈનિંગ રમી હતી. આ બેટ્સમેને 236 બોલમાં 214 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 14 ફોર અને 12 સિક્સર ફટકારી હતી. આ ઇનિંગની મદદથી ભારતીય ટીમે 4 વિકેટે 430 રન બનાવીને બીજી ઇનિંગ ડિકલેર કરી હતી. પરંતુ આ શાનદાર ઇનિંગ્સ છતાં યશસ્વી જયસ્વાલ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવામાંથી ચૂકી ગયો હતો. વાસ્તવમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની 'ઉતાવળ'ના કારણે યશસ્વી જયસ્વાલ 27 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શક્યો નથી.
જયસ્વાલ રેકોર્ડ તોડવાનું ચૂક્યો...
યશસ્વી જયસ્વાલ એક ટેસ્ટ મેચની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે ભૂતપૂર્વ પાકિસ્તાની મહાન ખેલાડી વસીમ અકરમની સાથે ટોચ પર પહોંચી ગયો છે. યશસ્વી જયસ્વાલ અને વસીમ અકરમે ટેસ્ટ મેચની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારી છે. યશસ્વી જયસ્વાલ અને વસીમ અકરમ 12-12 સિકસર સાથે ટોચ પર છે. આજે યશસ્વી જયસ્વાલ પાસે વસીમ અકરમને પાછળ છોડવાની તક હતી, પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઇનિંગ્સનો અંત જાહેર કર્યો, આથી યશસ્વી જયસ્વાલ પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીનો રેકોર્ડ તોડવાનું ચૂકી ગયો હતો.
આ બેટ્સમેનોના નામે ખાસ રેકોર્ડ
ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડી વસીમ અકરમે ઓક્ટોબર 1996માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ 257 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 12 સિક્સર ફટકારી હતી. ટેસ્ટ મેચની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર મારવાના મામલે યશસ્વી જયસ્વાલ અને વસીમ અકરમ 12-12 સિક્સર સાથે ટોપ પર છે. આ પછી ઓસ્ટ્રેલિયાનો મેથ્યુ હેડન 11 સિકસ સાથે ત્રીજા સ્થાને છે. આ સિવાય નાથન એસ્ટલ, બ્રેન્ડન મેક્કુલમ, બેન સ્ટોક્સ અને કુસલ મેન્ડિસે ટેસ્ટ મેચની એક ઇનિંગમાં 11 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે.
રાજકોટમાં ભારતની જીત
રાજકોટ ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 434 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે. ઈંગ્લેન્ડને જીતવા માટે 557 રનનો વિશાળ ટાર્ગેટ હતો, પરંતુ બેન સ્ટોક્સના નેતૃત્વમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 122 રન સુધી જ સિમિત રહી ગઈ હતી. જો કે આ જીત બાદ ટીમ ઈન્ડિયા 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 2-1થી આગળ છે. ઈંગ્લેન્ડના છ બેટ્સમેન બીજા દાવમાં ડબલ ડિજીટને સ્પર્શી શક્યા ન હતા. માર્ક વૂડે સૌથી વધુ 33 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ અને બેન ફોક્સ જેવા બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા.
ભારત તરફથી રવિન્દ્ર જાડેજા સૌથી સફળ બોલર રહ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ 12.4 ઓવરમાં 41 રન આપીને 5 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. કુલદીપ યાદવને 2 સફળતા મળી. આ સિવાય રવિ અશ્વિન અને જસપ્રિત બુમરાહે 1-1 વિકેટ લીધી હતી.