- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ
- રાજકોટ ટેસ્ટમાં સરફરાઝ ખાને ડેબ્યૂ કર્યું
- સરફરાઝ ખાન ડેબ્યૂ મેચમાં ખાસ ક્લબમાં થયો સામેલ
ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન સરફરાઝ ખાને રાજકોટમાં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. સરફરાઝ ખાને પ્રથમ દાવમાં 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પછી, તે બીજી ઇનિંગમાં 72 બોલમાં 68 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ રીતે સરફરાઝ ખાને અનોખા અંદાજમાં ડેબ્યૂ કર્યું હતું. ઉપરાંત, તેણે ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરના ક્લબમાં સામેલ થયો હતો.
આ ખાસ ક્લબમાં થયો સામેલ
ખરેખર, સરફરાઝ ખાને ટેસ્ટ ડેબ્યૂની બંને ઇનિંગ્સમાં પચાસથી વધુ રન બનાવ્યા હતા. આવું કરનાર તે માત્ર ચોથો ભારતીય બેટ્સમેન છે. આ યાદીમાં દિલવાર હુસૈન ટોપ પર છે. દિલવાર હુસૈને પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. આ પછી સુનીલ ગાવસ્કરે પોતાની ડેબ્યૂ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં પચાસથી વધુ રન બનાવ્યા હતા. તે જ સમયે, શ્રેયસ અય્યર ત્રીજો ભારતીય બેટ્સમેન છે, જેણે તેની ડેબ્યૂ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં પચાસ રનના આંકડાને સ્પર્શ કર્યો હતો. હવે આ યાદીમાં સરફરાઝ ખાનની એન્ટ્રી થઈ ગઈ છે.
રાજકોટ ટેસ્ટમાં અંગ્રેજોની હાર નિશ્ચિત!
રાજકોટ ટેસ્ટની વાત કરીએ તો ભારતીય ટીમે 4 વિકેટે 430 રન બનાવીને તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 214 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય શુભમન ગિલે 91 રન બનાવ્યા હતા. જ્યારે સરફરાઝ ખાન 68 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ભારતીય ટીમને પ્રથમ દાવના આધારે 126 રનની લીડ મળી હતી. આ રીતે અંગ્રેજોને 557 રનનો ટાર્ગેટ મળ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી ઈંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટે 77 રન છે. ઈંગ્લેન્ડ તરફથી ટોમ હાર્ટલી અને બેન ફોક્સ ક્રિઝ પર છે.