ક્રિકેટ જગતમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. બંગાળના ઈમર્જિંગ ક્રિકેટર પ્રિયજીત ઘોષનું હાર્ટ એટેકના કારણે મોત થયું. પ્રિયજીત ઘોષ માત્ર 22 વર્ષનો હતા.
શુક્રવારે સવારે જીમમાં વર્કઆઉટ કરતી વખતે પ્રિયજીત ઘોષને હાર્ટ એટેક આવ્યો, જેના કારણે તેનું મોત થયું છે. તેના અકાળ મૃત્યુથી મિત્રો પરિવાર અને ટીમના ખેલાડીઓમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. સમગ્ર ક્રિકેટ જગતમાં શોકનો માહોલ છે.
પ્રિયજીત ઘોષ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના બોલપુરના રહેવાસી હતો. તેનું સ્વપ્ન પહેલા બંગાળની રણજી ટીમમાં સ્થાન મેળવવાનું હતું, પછી તે ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને એક દિવસ ટીમ ઈન્ડિયા માટે રમવા માગતો હતો. ક્રિકેટ તેના માટે માત્ર એક રમત ન હતી, પરંતુ તે તેના દિનચર્યાનો એક ભાગ બની ગઈ હતી.
કેવું રહ્યું પ્રિયજીત ઘોષનું કરિયર
પ્રિયજીત ઘોષની ક્રિકેટ સફર જિલ્લા સ્તરથી શરૂ થઈ હતી. 2018-19 સીઝનમાં પ્રિયજીત ઘોષ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ અંડર-16 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તે ટુર્નામેન્ટ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. આ શાનદાર પ્રદર્શન માટે CAB દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પ્રિયજીત ઘોષને મળેલા મેડલ હજુ પણ તેના રૂમમાં છે.
પ્રિયજીત ઘોષ બોલપુરના મિશન કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલા એક જીમમાં ગયો હતો. ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીની જેમ ફિટનેસ પ્રત્યે ગંભીર રહેતા પ્રિયજીત જીમમાં પરસેવો પાડી રહ્યો હતો ત્યારે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો. આ કારણે તેમની તબિયત ઘણી બગડી ગઈ. સ્થળ પર હાજર લોકો તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. પ્રિયજીતના અચાનક મૃત્યુથી ક્રિકેટ જગત શોકમાં છે.