એશિયા કપ 2025 દરમિયાન ભારતના ઉભરતા યુવા સ્ટાર અભિષેક શર્માએ બોલરોને કેવી રીતે હેરાન કર્યા તે આખી દુનિયાએ જોયું. અભિષેક શર્માએ શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું, જ્યારે કુલદીપ યાદવે પોતાની બોલિંગથી વિરોધી ટીમને મુશ્કેલીમાં મુકી દીધી.


ICCએ હવે બંને ભારતીય ખેલાડીઓને ICC પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ કર્યા છે. ત્રીજો નોમિની ઝિમ્બાબ્વેના બ્રાયન બેનેટ છે, જેને સપ્ટેમ્બરમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ત્રણમાંથી ફક્ત એકને જ આ એવોર્ડ આપવામાં આવશે.

એશિયા કપમાં અભિષેક શર્માનું શાનદાર પ્રદર્શન

અભિષેક શર્માએ એશિયા કપ 2025 દરમિયાન વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું. જ્યારે ભારતે ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને એશિયા કપ જીત્યો, ત્યારે અભિષેક શર્માને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો. અભિષેક શર્માએ ટુર્નામેન્ટ દરમિયાન કુલ સાત T20 ઈન્ટરનેશનલ મેચ રમી, જેમાં 314 રન બનાવ્યા. તેને 200થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે 3 અડધી સદી ફટકારી.

અભિષેક શર્માએ ICC T20 રેન્કિંગમાં પણ રચ્યો ઈતિહાસ

અભિષેક શર્માએ ICC T20 રેન્કિંગમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. તેનું રેટિંગ હવે 931 પર પહોંચી ગયું છે, જે ICC T20 રેન્કિંગમાં અત્યાર સુધીનું સૌથી વધુ છે. આ પહેલા ક્યારેય કોઈએ આટલું રેટિંગ મેળવ્યું નથી અને આ એક એવો રેકોર્ડ છે, જે ટૂંક સમયમાં તોડી શકાશે નહીં. અભિષેક શર્મા પોતાનું રેટિંગ વધુ વધારી શકશે કે નહીં તે જોવાનું બાકી છે.

કુલદીપ યાદવ અને બ્રાયન બેનેટને પણ કરવામાં આવ્યા છે નોમિનેટ

નોમિનેટ થયેલ બીજો ખેલાડી કુલદીપ યાદવ છે. કુલદીપ યાદવે એશિયા કપ 2025માં 17 વિકેટ લીધી હતી, જેમાં તેને ફક્ત 6.27ના ઈકોનોમી રેટથી રન બનાવ્યા હતા. યુએઈ સામે કુલદીપ યાદવે ફક્ત 7 રન આપીને 4 વિકેટ લીધી હતી. જ્યારે ભારતનો ફાઈનલમાં પાકિસ્તાન સામે મુકાબલો થયો ત્યારે તેને ફક્ત 30 રન આપીને 4 વિકેટ લીધી હતી. ઝિમ્બાબ્વેના બ્રાયન બેનેટને પણ ICC દ્વારા આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. તેને સપ્ટેમ્બર મહિનામાં 55.22 ની એવરેજ સાથે 165.66 નો સ્ટ્રાઈક રેટ જાળવી રાખીને 497 રન બનાવ્યા હતા. ICC ટૂંક સમયમાં અંતિમ વિનરની જાહેરાત કરશે.

  • Follow us on: