ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને એશિયા કપ 2025 પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ડ્રીમ11એ BCCI ને જાણ કરી છે કે તે હવે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર કરશે નહીં. સંસદે તાજેતરમાં જ પ્રમોશન અને રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ, 2025 પસાર કર્યું છે.
આ બિલ હેઠળ ભારતમાં વાસ્તવિક પૈસાથી થતા ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે ડ્રીમ11ના વ્યવસાયને ખરાબ અસર થઈ છે.
ડ્રીમ11ના પ્રતિનિધિઓ મુંબઈ આવ્યા
મીડિયા રિપોર્ટ મુજબ ડ્રીમ11ના પ્રતિનિધિઓ મુંબઈ સ્થિત BCCI ઓફિસમાં આવ્યા હતા અને CEO હેમાંગ અમીનને આ નિર્ણયને લઈને જાણ કરી હતી. હવે BCCI ટૂંક સમયમાં એક નવું ટેન્ડર બહાર પાડશે.
એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થવાનો છે. હવે ડ્રીમ11 ના પાછું ખેંચાયા પછી BCCIને ટૂંક સમયમાં એક નવો સ્પોન્સર શોધવો પડશે.
બીસીસીઆઈના એક અધિકારીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે 'ડ્રીમ11ના પ્રતિનિધિઓએ બીસીસીઆઈ ઓફિસની મુલાકાત લીધી હતી. તેમને સીઈઓ હેમાંગ અમીનને જાણ કરી હતી કે ડ્રીમ11 હવે આ ડીલ ચાલુ રાખી શકશે નહીં. આ કારણે તે એશિયા કપ માટે ભારતીય ટીમને સ્પોન્સર કરશે નહીં . બીસીસીઆઈ ટૂંક સમયમાં નવું ટેન્ડર બહાર પાડશે.'
ડ્રીમ11 એ કેટલામાં કરી ડીલ?
ડ્રીમ11 એ જુલાઈ 2023માં BCCI સાથે 358 કરોડ રૂપિયાનો મોટી ડીલ કરી હતી. આ અંતર્ગત ડ્રીમ11 એ ભારતીય મહિલા ટીમ, ભારતીય પુરુષ ટીમ, ભારત અંડર-19 ટીમ અને ભારત-A ટીમના કિટ્સ માટે સ્પોન્સર રાઈટ્સ મેળવ્યા. ત્યારબાદ ડ્રીમ11 એ બાયજુનું સ્થાન લીધું.
કોન્ટ્રાક્ટ તોડવા છતાં ડ્રીમ11 ને કોઈ દંડ ચૂકવવો પડશે નહીં. કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટપણે લખ્યું છે કે જો ભારત સરકારનો નવો કાયદો કંપનીના મુખ્ય વ્યવસાયને અસર કરશે, તો કંપની બોર્ડને કોઈ દંડ ચૂકવશે નહીં. ડ્રીમ11 18 વર્ષ પહેલાં શરૂ થયું હતું અને આજે તેનું મૂલ્ય લગભગ 8 અબજ ડોલર છે.
ડ્રીમ11એ આ કંપનીમાં કર્યું છે રોકાણ
ડ્રીમ11એ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ મોટું રોકાણ કર્યું. તેને એમએસ ધોની, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, રિષભ પંત, જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. વર્ષ 2020 માં ડ્રીમ11 એ IPL ટ્રોફીને પણ સ્પોન્સર કરી. ડ્રીમ11 એ કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) નો ઓફિશિયલ ફેન્ટસી પાર્ટનર છે. તે ન્યુઝીલેન્ડમાં આયોજિત સુપર સ્મેશનું ટાઈટલ સ્પોન્સર પણ રહ્યું છે. તે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ (પુરુષો અને મહિલા બંને) સાથે પણ સંકળાયેલું છે. વર્ષ 2018 માં તેને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સાથે પણ ભાગીદારી કરી. ક્રિકેટ સિવાય તેને અન્ય રમતોમાં પણ રોકાણ કર્યું છે.