એશિયા કપ 2025 માટે ભારતીય T20 ટીમની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપની જવાબદારી અને શુભમન ગિલને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.
જસપ્રીત બુમરાહને પણ T20 ટીમમાં તક મળી છે. ભારતીય ટીમમાં યુવા અને અનુભવી બંને ખેલાડીઓને તક મળી છે. આ ટીમમાં 7 ખેલાડીઓ એવા છે કે જે એશિયા કપ માટે પહેલીવાર સિલેક્ટ થયા છે.
7 ખેલાડીઓને લાગી લોટરી
ભારતીય ટીમમાં 7 ખેલાડીઓ છે જેમને પહેલીવાર એશિયા કપ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં અભિષેક શર્મા, શિવમ દુબે, જીતેશ શર્મા, વરુણ ચક્રવર્તી, સંજુ સેમસન, હર્ષિત રાણા અને રિંકુ સિંહ સામેલ થાય છે. આ ખેલાડીઓ પહેલીવાર એશિયા કપ ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે.
સંજુ અને અભિષેક કરી રહ્યા છે જોરદાર પરફોર્મન્સ
છેલ્લા કેટલાક સમયથી અભિષેક શર્મા અને સંજુ સેમસન ભારતીય T20 ટીમ માટે ઓપનિંગ કરતી વખતે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. સંજુએ ભારતીય ટીમ માટે T20I ક્રિકેટની 42 મેચોમાં કુલ 861 રન બનાવ્યા છે, જેમાં 3 સદી અને 2 અડધી સદીનો ફટકારી છે. અભિષેકે અત્યાર સુધીમાં 21 T20I મેચોમાં કુલ 535 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 2 અડધી સદી ફટકારી છે.
વરુણ ચક્રવર્તીએ T20I ક્રિકેટમાં 33 વિકેટ લીધી
વરુણ ચક્રવર્તીએ 2021 માં ભારતીય T20 ટીમ માટે T20I માં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે શરૂઆતના દિવસોમાં સારું પ્રદર્શન કરી શક્યો નહીં અને ટીમમાંથી બહાર થઈ ગયો. ત્યારબાદ તેને IPL માં જોરદાર પ્રદર્શન કરીને T20 ટીમમાં વાપસી કરી. ચક્રવર્તીએ અત્યાર સુધી ભારતીય ટીમ માટે 18 T20I મેચોમાં કુલ 33 વિકેટ લીધી છે.
રિંકુ સિંહને મળી તક
મીડિયા રિપોર્ટ મુજબ જીતેશ શર્માને એશિયા કપ 2025 માટે બેક-અપ વિકેટકીપર તરીકે રાખવામાં આવ્યો છે. શિવમ દુબે, હર્ષિત રાણા અને રિંકુ સિંહને પણ ટીમમાં તક મળી છે. રિંકુ નીચલા ક્રમમાં વિસ્ફોટક બેટિંગ કરવામાં માહિર છે. જો તે ફોર્મમાં હોય, તો તે ફક્ત થોડા બોલમાં મેચનો માર્ગ બદલી શકે છે.