એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરતી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સિલેક્શન કમિટીના અધ્યક્ષ અજિત અગરકરને પાકિસ્તાન સાથે જોડાયેલા એક સવાલનો જવાબ આપવાની ના પાડી.


મુંબઈમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન અજીત અગરકર કંઈક કહેવાના હતા ત્યારે BCCIના પ્રતિનિધિએ વચ્ચે આવીને તેમને ચૂપ કરાવી દીધા.

ભારતીય ક્રિકેટ ટીમ 14 સપ્ટેમ્બરે દુબઈમાં પાકિસ્તાન સામે ટકરાશે. પહલગામ આતંકવાદી હુમલા પછી બંને દેશોની ટીમો પહેલી વાર એકબીજા સામે ટકરાશે. ભારત અને પાકિસ્તાન ટુર્નામેન્ટમાં વધુમાં વધુ ત્રણ વખત એકબીજા સામે ટકરાઈ શકે છે. ગ્રુપ સ્ટેજ પછી સુપર-4 અને ફાઈનલમાં પણ ટકરાવવાની શક્યતા છે.

સંયુક્ત આરબ અમીરાતમાં રમાશે એશિયા કપ

હાલના સરહદપાર તણાવ અને આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીને દેશમાં આનો વિરોધ થઈ રહ્યો છે. મે મહિનામાં મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું હતું કે ભારત ન તો એશિયા કપમાં ભાગ લેશે કે ન તો તેનું આયોજન કરશે. પરંતુ બાદમાં બીસીસીઆઈએ પોતાનું વલણ બદલ્યું અને ટુર્નામેન્ટને તટસ્થ સ્થળ એટલે કે સંયુક્ત આરબ અમીરાતમાં ખસેડવામાં આવી.

ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ પણ પાકિસ્તાન સાથે રમવાનો વિરોધ કર્યો છે. કેદાર જાધવ અને હરભજન સિંહે બીસીસીઆઈને પાકિસ્તાન સાથે મેચ ન રમવાની સલાહ આપી હતી. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં ભારતીય ટીમનો ભાગ રહેલા હરભજન પણ તે પ્રદર્શની ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામેની મેચનો બોયકોટ કરનારા ખેલાડીઓમાં સામેલ હતા.

કેદાર જાધવે એશિયા કપ 2025 માં પાકિસ્તાન સામેની મેચને બોયકોટ કરવાની અપીલ કરી હતી. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી UAE માં શરૂ થશે.

કેદાર જાધવે મીડિયાને કહ્યું કે 'મને નથી લાગતું કે ભારતીય ટીમે રમવું જોઈએ. મારું માનવું છે કે ભારત નહીં રમે. જ્યાં પણ ભારત પાકિસ્તાન સાથે ટકરાશે ત્યાં ભારત જીતશે. પરંતુ આ મેચ બિલકુલ ન થવી જોઈએ. હું ખાતરીપૂર્વક કહી શકું છું કે એવું નહીં થાય.'

મંગળવારે અગરકર અને T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરી. ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટીમમાં પરત ફર્યો છે.

એશિયા કપ માટેની ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હર્ષિત રાણા.

5 સ્ટેન્ડબાય ખેલાડીઓ

પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, યશસ્વી જયસ્વાલ


  • Follow us on: