ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાઈ હતી. સિરીઝની છેલ્લી મેચ 16 ઓગસ્ટના રોજ રમાઈ હતી. આ મેચમાં સાઉથ આફ્રિકા તરફથી ડેવાલ્ડ બ્રેવિસે શાનદાર પ્રદર્શન કર્યું અને અડધી સદી ફટકારી.
ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શ અને ગ્લેન મેક્સવેલે પણ તોફાની અડધી સદી ફટકારી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 3 વિકેટથી જીતીને સિરીઝ 2-1થી કબજે કરી.
સાઉથ આફ્રિકાએ બનાવ્યા હતા 172 રન
પહેલા બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા. સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી. ઓપનર એડન માર્કરામ અને રિયાન રિકેલ્ટને અનુક્રમે 1, 13 રન બનાવ્યા. ત્રીજા નંબર પર લુઆન-ડ્રે પ્રિટોરિયસે 15 બોલમાં 24 રન બનાવ્યા. પરંતુ ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા ડેવાલ્ડ બ્રેવિસે 26 બોલમાં 53 રનની ઈનિંગ રમી. 6 છગ્ગા સિવાય તેને 1 ચોગ્ગો પણ ફટકાર્યો. ટ્રિસ્ટન સ્ટબ્સે 23 બોલમાં 25 રન બનાવ્યા. આ પછી નીચલા મધ્યમ ક્રમમાં વાન ડેર ડુસેને 26 બોલમાં 38 રનનું યોગદાન આપ્યું.
ઓસ્ટ્રેલિયા તરફથી નાથન એલિસે સૌથી વધુ વિકેટ લીધી. તેને 4 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ લીધી, જ્યારે જોશ હેઝલવુડ અને એડમ ઝેમ્પાએ 2-2 વિકેટ લીધી.
ઓસ્ટ્રેલિયાએ બેટિંગમાં મચાવી ધૂમ
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમના ઓપનર મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડે પહેલા વિકેટ માટે 66 રનની પાર્ટનરશીપ કરી. માર્શે શાનદાર બેટિંગ દર્શાવી અને 37 બોલમાં 54 રન બનાવ્યા, જ્યારે હેડે 18 બોલમાં 19 રન બનાવ્યા. આ પછી જોશ ઈંગ્લિશ ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યો.
કેમરન ગ્રીન પણ ખાસ કંઈ કમાલ કરી શક્યો નહીં. તેને 8 બોલમાં 9 રન બનાવ્યા, જ્યારે ટિમ ડેવિડે 9 બોલમાં 17 રન બનાવ્યા. આ પછી ગ્લેન મેક્સવેલે બાજી સંભાળી. તેને 36 બોલમાં અણનમ 63 રનની ઈનિંગ રમી અને ઓસ્ટ્રેલિયાને જીત અપાવી. સાઉથ આફ્રિકા તરફથી કોર્બિન બોશે સૌથી વધુ વિકેટ લીધી. તેને 3 વિકેટ લીધી.