ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની T20 સિરીઝની ત્રીજી મેચ કેઈર્ન્સ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે. ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં આફ્રિકન ટીમે પહેલા બેટિંગ કરી હતી અને 20 ઓવરમાં 172 રન બનાવ્યા હતા.
આ મેચમાં આફ્રિકન ટીમ તરફથી ડેવાલ્ડ બ્રેવિસની બેટિંગનો જાદુ જોવા મળ્યો હતો, જેને માત્ર 26 બોલમાં 1 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 53 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન ડેવાલ્ડ બ્રેવિસે એક એવો રેકોર્ડ પોતાના નામે કર્યો જે અત્યાર સુધી કોઈ કરી શક્યું નથી.
ડેવાલ્ડ બ્રેવિસ આ મામલે પહેલો ખેલાડી બન્યો
આ ત્રણ મેચની T20 સિરીઝમાં ડેવાલ્ડ બ્રેવિસે ધૂમ મચાવી. ત્રીજી મેચમાં તેની બેટિંગ દરમિયાન ડેવાલ્ડ બ્રેવિસે એરોન હાર્ડીએ ફેંકેલી ઈનિંગની 10મી ઓવરમાં સતત 4 છગ્ગા ફટકારીને પોતાની ફિફ્ટી પૂર્ણ કરી. આ સાથે ડેવાલ્ડ બ્રેવિસ હવે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 4 બોલમાં સતત 4 છગ્ગા ફટકારવામાં સફળ રહેનાર પહેલો ખેલાડી બની ગયો છે. આ સિરીઝમાં ડેવાલ્ડ બ્રેવિસે કુલ 14 છગ્ગા ફટકાર્યા હતા.
ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી ઝડપી ફિફ્ટી
ડેવાલ્ડ બ્રેવિસે આ મેચમાં માત્ર 22 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી, જેની સાથે તે હવે ઓસ્ટ્રેલિયા સામે ઓસ્ટ્રેલિયામાં T20 ઈન્ટરનેશનલ મેચમાં ફિફ્ટી ફટકારનાર સૌથી ઝડપી ખેલાડી બની ગયો છે. આ મામલે ડેવાલ્ડ બ્રેવિસે ઈંગ્લેન્ડ ટીમના ભૂતપૂર્વ ખેલાડી રવિ બોપારાનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેને 2014 માં હોબાર્ટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી T20 મેચમાં માત્ર 23 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
સિરીઝ જીતવા પર ધ્યાન
3 મેચની T20 સિરીઝમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા 1-1 મેચ જીતી ચૂક્યા છે. આ પરિસ્થિતિમાં ત્રીજી મેચ જીતનારી ટીમ સિરીઝ જીતશે. જો આપણે સાઉથ આફ્રિકાના ટોચના ક્રમના બેટ્સમેનોની વાત કરીએ તો ઓપનર એડન માર્કરામે 1 અને રિયાન રિકલ્ટને 13 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય ટ્રિસ્ટન સ્ટબ્સે ધીમી બેટિંગ કરી હતી. તેને 23 બોલમાં 25 રન બનાવ્યા હતા.