પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન છેલ્લા કેટલાક સમયથી ખરાબ રહ્યું છે. ટીમને સતત હારનો સામનો કરવો પડી રહ્યો છે. હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા ચક્ર માટે પીસીબીએ મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
ટેસ્ટ ક્રિકેટમાં હાલમાં અઝહર મહમૂદને પાકિસ્તાન ક્રિકેટ ટીમના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અઝહર મહમૂદ લાંબા સમયથી ટીમ સાથે સહાયક કોચ તરીકે જોડાયેલો હતો અને હવે આ નવા રોલને તેના પ્રમોશન તરીકે જોવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને વિશ્વાસ છે કે તે ટીમ માટે કંઈક ખાસ કરશે અને ફરી એક વાર પાકિસ્તાન ટીમ વિશ્વ ક્રિકેટમાં પોતાની છાપ છોડવા માટે સક્ષમ રહે.
રેડ બોલમાં શાનદાર છે તેમનો રેકોર્ડ
અઝહર મહમૂદ એક અનુભવી ખેલાડી છે અને તેમને ઘણાં દેશો સાથે ક્રિકેટ રમવાનો સારો અનુભવ છે. કાઉન્ટી ચેમ્પિયનશિપમાં તેમની લીડરશિપવાળી ટીમ 2 વાર ટાઈટલ જીતી ચૂકી છે. પાકિસ્તાન ક્રિકેટ તરફથી એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે કે, 'રેડ બોલમાં તે 2 કાઉન્ટી ચેમ્પિયનશિપના ટાઈટલમાં પોતાની ટીમને જીતાડી ચૂક્યા છે જે તેમની પ્રતિભા દર્શાવે છે.' પીસીબીને વિશ્વાસ છે કે અઝહર મહમૂદના ગાઈડન્સથી પાકિસ્તાન ટીમ રેડ બોલ ક્રિકેટમાં પોતાની તાકાત દુનિયાને બતાવશે.
ખરાબ પ્રદર્શનને કારણે થઈ રહ્યા છે સતત ફેરફાર
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પીને આ પદથી હટાવ્યા બાદ પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બોલર આકિબ જાવેદ આ કાર્યભાર સંભાળી રહ્યો હતો. આકિબ જાવેદ વર્ષ 1992માં વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂક્યો છે. હવે આ જવાબદારી અઝહર મહમૂદના હાથમાં છે. તેમના કોચિંગમાં પહેલું એસાઈનમેન્ટ પાકિસ્તાની ટીમનું સાઉથ આફ્રિકાના પ્રવાસથઈ થશે. આ પ્રવાસ પર ટીમને 2 મેચની સિરીઝ રમવાની છે.
ટેસ્ટ ટીમ તૈયાર કરવી હશે એક ચેલેન્જ
હવે અઝહર મહમૂદનો પહેલો પડકાર નવા ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્ર હેઠળ પાકિસ્તાનની ટેસ્ટ ટીમને તૈયાર કરવાનો રહેશે, જે આ વર્ષના અંતમાં સાઉથ આફ્રિકાના પાકિસ્તાન પ્રવાસથી શરૂ થશે, જ્યાં બંને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાને માઈક હેસનને તેની વ્હાઈટ બોલ ટીમના કોચ તરીકે નિયુક્ત કર્યા છે.