ભારતના ફાસ્ટ બોલર ખલીલ અહેમદ લગભગ એક વર્ષથી નેશનલ ટીમની બહાર છે. ભારતીય ટીમમાં તક ન મળ્યા બાદ તેને હવે કાઉન્ટી ક્રિકેટ રમવાનું નક્કી કર્યું છે. ખલીલ અહેમદ આ કાઉન્ટી સિઝનમાં એસેક્સ ટીમ માટે રમશે.
ખલીલ અહેમદે 2025ની કાઉન્ટી સિઝનની બાકીની મેચો માટે એસેક્સ ટીમ સાથે કરાર કર્યો છે. ખલીલ અહેમદ આ વર્ષે કાઉન્ટી ક્રિકેટ રમનાર પાંચમો ભારતીય બન્યો છે.
ખલીલ અહેમદ પહેલા ઋતુરાજ ગાયકવાડ (યોર્કશાયર), ઈશાન કિશન (નોટિંગહામશાયર), તિલક વર્મા (હેમ્પશાયર) અને યુઝવેન્દ્ર ચહલ (નોર્થમ્પ્ટનશાયર) કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યા છે. તે 2025માં એસેક્સ માટે કાઉન્ટી સીઝનમાં રેડ બોલ અને ODI બંને ફોર્મેટમાં રમશે.
ખલીલ અહેમદ તાજેતરમાં ઈંગ્લેન્ડમાં ઈન્ડિયા 'એ' ટીમનો ભાગ હતો, જ્યાં તેને ઈંગ્લેન્ડ લાયન્સ સામે બે બિનસત્તાવાર ચાર દિવસીય ટેસ્ટ મેચમાં રમવાની તક મળી. બીજી બિનસત્તાવાર મેચમાં તેને ચાર વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું.
ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ખલીલ અહેમદનો રેકોર્ડ
ખલીલ અહેમદ વિશે વાત કરીએ તો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના રેકોર્ડ ઘણા સારા છે. ખલીલે અત્યાર સુધીમાં 20 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં તેને 27.67 ની એવરેજથી 56 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું બેસ્ટ પ્રદર્શન 37 રનમાં 5 વિકેટ રહ્યું છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવા છતાં તે હજુ સુધી ભારત માટે ટેસ્ટ ફોર્મેટમાં ડેબ્યૂ કરી શક્યો નથી.
2018 માં ખલીલ અહેમદે વનડે કર્યું હતું ડેબ્યૂ
ખલીલ અહેમદે વનડે ફોર્મેટમાં ડેબ્યૂ વર્ષ 2018માં કર્યું હતું. તેને પોતાની પહેલી મેચ હોંગકોંગ સામે રમી હતી. આ ફાસ્ટ બોલરે અત્યાર સુધી 11 વનડે મેચમાં 31.00 ની એવરેજથી 15 વિકેટ લીધી છે. પરંતુ તે 2019 થી ભારતની ODI ટીમની બહાર છે. તેને વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની છેલ્લી ODI રમી હતી. ખલીલે T20 ફોર્મેટમાં અત્યાર સુધી 18 મેચ રમી છે, જેમાં તેને 16 વિકેટ લીધી છે. તેને 2024 માં શ્રીલંકા સામે પોતાની છેલ્લી T20 મેચ રમી હતી.