ઈંગ્લેન્ડની ફેમસ 100-બોલ લીગ ધ હંડ્રેડના ઓક્શનમાં 2 ભારતીય સ્ટાર્સે ધૂમ મચાવી છે. ભારતની અનુભવી ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને સનરાઈઝર્સ લીડ્સ દ્વારા 27,500 પાઉન્ડ (લગભગ રૂ. 34 લાખ) માં ખરીદવામાં આવી હતી, જેનાથી તે ધ હંડ્રેડ ઓક્શનમાં વેચાયેલી પ્રથમ ભારતીય ખેલાડી બની હતી.
આ ઓક્શન દીપ્તિ શર્મા માટે ખાસ હતો, કારણ કે તે અગાઉ 2 સીઝન માટે લંડન સ્પિરિટ માટે રમી ચૂકી છે અને હવે તે સનરાઈઝર્સ લીડ્સ સાથે તેની સફર શરૂ કરશે.
માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સમાં રમતી જોવા મળશે રિચા ઘોષ
ઓક્શનમાં ભારતીય વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષને માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સમાં 50,000 પાઉન્ડ (લગભગ 61 લાખ રૂપિયા) માં સામેલ કરવામાં આવી હતી. તે આ ટીમમાં પહેલાથી જ હાજર ભારતીય સ્ટાર સ્મૃતિ મંધાના સાથે રમતી જોવા મળશે. સ્મૃતિ મંધાના સિવાય ટીમે ઓક્શન પહેલા જ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેગ લેનિંગ અને ઈંગ્લેન્ડની સ્ટાર સ્પિનર સોફી એક્લેસ્ટોનને સીધી સાઈન કરી લીધી હતી.
ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે આ વખતે ઓક્શનમાં ભાગ લીધો ન હતો, જ્યારે જેમીમા રોડ્રિગ્સ પહેલાથી જ સધર્ન બ્રેવ દ્વારા સીધી સાઈન કરવામાં આવી હતી. પરંતુ બધા ભારતીય ખેલાડીઓ નસીબદાર ન હતા. વિકેટકીપર-બેટ્સમેન યાસ્તિકા ભાટિયા અને યુવા સ્પિનર શ્રી ચારણીને ઓક્શનમાં કોઈ ખરીદદાર મળ્યો ન હતો અને તેઓ વેચાયા વિના રહ્યા.
નવી સીઝન રહેશે ખાસ
ધ હંડ્રેડ 2026ની આ સીઝન ખાસ રહેશે કારણ કે પહેલીવાર બધી 8 ફ્રેન્ચાઈઝી ખાનગી માલિકી હેઠળ રમશે. ઓક્શનમાં કુલ 178 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જ્યારે 28 ખેલાડીઓ પહેલાથી જ ફ્રેન્ચાઈઝી દ્વારા જાળવી રાખવામાં આવ્યા હતા અથવા સીધા કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા હતા.
કેટલીક ફ્રેન્ચાઈઝી ઈન્ડિયન પ્રીમિયર લીગ ટીમો સાથે પણ જોડાયેલી છે. માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ, સનરાઈઝર્સ લીડ્સ અને MI લંડન સંપૂર્ણપણે IPL ટીમોની માલિકીની છે. આ દરમિયાન GMR ગ્રુપ સધર્ન બ્રેવમાં 49% હિસ્સો ધરાવે છે. GMR ગ્રુપ દિલ્હી કેપિટલ્સના સહ-માલિક છે.
ટુર્નામેન્ટ ક્યારે શરૂ થશે?
ધ હંડ્રેડ 2026ના ઓક્શનમાં કુલ 17 ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેમાંથી 6 ગયા વર્ષના વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ હતા. લીગની છઠ્ઠી સીઝન 21 જુલાઈથી શરૂ થશે અને 16 ઓગસ્ટ સુધી ચાલશે. મેન્સ ખેલાડીઓનો ઓક્શન ગુરુવાર, 12 માર્ચે યોજાશે.
આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!