8 વર્ષ પછી ભારતની ટેસ્ટ ટીમમાં વાપસી કરનાર કરુણ નાયર માટે આ કમબેક યાદગાર ન રહ્યું. ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં કરુણ પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. કરુણની ઈનિંગ માત્ર 4 બોલમાં જ પૂર્ણ થઈ ગઈ.
બેન સ્ટોક્સના બોલને જોરથી ફટકારવાના પ્રયાસમાં કરુણે બોલ સીધો ફિલ્ડરના હાથમાં વાગ્યો. કરુણને ન ઈચ્છતા હોવા છતાં પણ માથું નમાવીને પેવેલિયન પરત ફરવું પડ્યું. કરુણનું આ રીતે આઉટ થવાથી કરોડો ભારતીય ક્રિકેટ ફેન્સના દિલ તૂટી ગયા.
કરુણ નાયર ન બનાવી શક્યો રન
કેપ્ટન શુભમન ગિલના આઉટ થયા પછી કરુણ નાયર 8 વર્ષ પછી ભારતીય ટીમની જર્સી પહેરીને મેદાન પર આવ્યો. ફેન્સને આશા હતી કે કરુણ આ કમબેક યાદગાર બનાવશે અને એક શાનદાર ઈનિંગ રમશે. પરંતુ બેન સ્ટોક્સે કરુણ અને ભારતીય ફેન્સની આશાઓ પર પાણી ફેરવી દીધું.
કરુણ નાયરે બેન સ્ટોક્સના બોલને જોરદાર ફટકારવાનો પ્રયાસ કર્યો, પરંતુ શોર્ટ કવર પર ઉભેલા ઓલી પોપે અદ્ભુત ફિલ્ડિંગ બતાવી અને શાનદાર કેચ પકડ્યો. પોપના અદ્ભુત કેચને કારણે, કરુણને ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફરવું પડ્યું. કરુણની ઈનિંગ માત્ર 4 બોલમાં જ સમાપ્ત થઈ ગઈ.
ટીમ ઈન્ડિયાનું મિડલ ઓર્ડરમાં ખરાબ પ્રદર્શન
શુભમન ગિલ પેવેલિયન પરત ફર્યા બાદ ભારતીય બેટિંગ ક્રમ ખરાબ રીતે લથડી ગયો. ગિલ આઉટ થયો ત્યારે ભારતીય ટીમના સ્કોરબોર્ડ પર 430 રન હતા. પરંતુ બીજા દિવસના લંચ બ્રેક સુધીમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટ ગુમાવીને 454 રન બનાવ્યા. એટલે કે, ટીમ ઈન્ડિયાએ 24 રનની અંદર તેની ચાર મોટી વિકેટ ગુમાવી દીધી.