ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે આખરે ઈન્ડિયન પ્રીમિયર લીગના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા થપ્પડ મારવાના વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.
ગયા અઠવાડિયે લલિત મોદી ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન માઈકલ ક્લાર્કના પોડકાસ્ટ 'બિયોન્ડ 23' પર જોવા મળ્યો હતો જ્યાં તેમને સૌપ્રથમ તે વીડિયો બતાવ્યો હતો જેમાં હરભજન સિંહ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસંતને થપ્પડ મારતો જોવા મળ્યો હતો. આ ઘટના IPL 2008માં મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) વચ્ચે રમાયેલી મેચ પછી બની હતી.
જ્યારે 2008 માં આ ઘટના બની હતી, ત્યારે આ ઘટનાનું ફૂટેજ ટીવી પર બતાવવામાં આવ્યું ન હતું. ટીવી પર ફક્ત શ્રીસંત રડતો જોવા મળ્યો હતો, ત્યારબાદ તેના સાથી ખેલાડીઓ જેમ કે ઈરફાન પઠાણ અને મહેલા જયવર્ધને તેને સાંત્વના આપતા જોવા મળ્યા હતા.
લલિત મોદીએ જાહેર કર્યો વીડિયો
લલિત મોદી દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મેચ પૂરી થયા પછી જ્યારે બંને ટીમો હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે હરભજને શ્રીસંતને પાછળના હાથથી થપ્પડ મારી હતી. આ પછી શ્રીસંત ગુસ્સામાં હરભજન તરફ ગયો અને લડાઈ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ. પરંતુ બંને ટીમોના ખેલાડીઓએ વચ્ચે આવીને પરિસ્થિતિ સંભાળી લીધી.
હરભજન સિંહે તોડ્યું મૌન
તાજેતરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન હરભજનને આ વીડિયો લીક થવાને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. મીડિયા સાથે વાત કરતાં તેને કહ્યું કે જે રીતે વીડિયો લીક થયો છે તે ખોટું છે. આવું ન થવું જોઈતું હતું. આ પાછળ કોઈ સ્વાર્થી હેતુ હોઈ શકે છે. લોકો 18 વર્ષ જૂની ઘટના ભૂલી ગયા હતા, હવે તેમને ફરીથી યાદ કરાવવામાં આવી રહ્યા છે.
હરભજને આગળ કહ્યું કે જે કંઈ થયું તેનો તેને અફસોસ છે. અમે રમી રહ્યા હતા અને દરેકના મનમાં અલગ અલગ વાતો ચાલી રહી હતી. ભૂલો થાય છે અને આજે પણ તે શરમ અનુભવે છે. તેને કહ્યું કે તે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી અને તેને ઘણી વાર કહ્યું છે કે તેને ભૂલ કરી છે. માણસો ભૂલો કરે છે અને તેને પણ ભૂલ કરી છે. તેને ભગવાન ગણેશને પ્રાર્થના કરી છે કે જો તે ભવિષ્યમાં ભૂલ કરે તો તેને માફ કરે.