BCCIએ હાલમાં 2025-26 ની ડોમેસ્ટિક સીઝન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલમાં દુલીપ ટ્રોફી રમાઈ રહી છે. આ દરમિયાન ઘણા સ્ટાર ખેલાડીઓ પોતાની ટીમ બદલતા જોવા મળી રહ્યા છે. નવી ડોમેસ્ટિક સીઝન પહેલા આ ખેલાડીઓ ટીમમાં પોતાનું સ્થાન કન્ફર્મ કરવા અંગે ચર્ચા કરી રહ્યા છે.
આ દરમિયાન ભારતના સ્ટાર ફાસ્ટ બોલરે હવે ટીમમાં ફેરફાર કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ ખેલાડીએ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમ માટે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.
સ્ટાર બોલરે બદલી ટીમ
ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર હર્ષલ પટેલે 14 વર્ષ પછી હરિયાણા ટીમ છોડવાની યોજના બનાવી છે. હર્ષલ પટેલ હરિયાણા છોડી દેશે અને હવે ગુજરાત માટે રમતો જોવા મળશે. હર્ષલ પટેલ પહેલા જયંત યાદવે પણ હરિયાણા ટીમ છોડી દીધી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ હર્ષલ પટેલ પ્રી-સીઝન ટ્રાઈ સિરીઝમાં રમતો જોવા મળશે. જ્યાં ગુજરાત સિવાય બરોડા અને સૌરાષ્ટ્રની ટીમો પણ રમતા જોવા મળશે. હર્ષલે વર્ષ 2008-09માં ગુજરાત માટે અંડર-19 વર્લ્ડકપ રમ્યો હતો. ત્યારબાદ વર્ષ 2010માં અંડર-19 વર્લ્ડકપ રમ્યા બાદ તે પરત ફર્યો અને તક ન મળતાં હરિયાણા તરફ વળ્યો.
RCB તરફથી રમી ચૂક્યો છે હર્ષલ પટેલ
ફાસ્ટ બોલર હર્ષલ પટેલ 8 સીઝન સુધી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે રમી ચૂક્યો છે. ગઈ સીઝનમાં તે સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો ભાગ હતો. ટીમ બદલવાના સવાલ પર હર્ષલે મીડિયાને કહ્યું કે '2010-11થી મારું લગભગ આખું વ્યાવસાયિક કરિયર હરિયાણા સાથે રહ્યું છે. હું તેમનો ખૂબ આભારી છું.
જો 18 વર્ષની ઉંમરે હરિયાણા જવાનું મારા માટે કામ ન કર્યું હોત, તો હું કદાચ અમેરિકા ગયો હોત અને ભારતમાં ક્રિકેટ રમી શક્યો ન હોત. મારા માટે લાંબા સમય સુધી પરિવારથી દૂર રહેવું મુશ્કેલ બની રહ્યું હતું. તેથી હું પાછો આવીને જોવા માગતો હતો કે શું હું મારી કરિયર અહીં સમાપ્ત કરી શકું છું. હું ખુશ છું કે મને આવું કરવાની તક મળી.
ટીમમાં ફેરફાર વિશે વાત કરતા હર્ષિત પટેલે કહ્યું કે “મેં પહેલા અનિલ પટેલ [ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સચિવ] ને પૂછ્યું અને તેમને ખૂબ જ નમ્રતાથી કહ્યું, ‘આ તમારું ઘર છે, તમારું સ્વાગત છે.’ પરત આવ્યા પછી, ટીમ મને જે કરવા કહેશે તે રમવા માટે હું તૈયાર છું.”