ઈન્ટરનેશનલ ક્રિકેટ પરિષદ (ICC) એ આવતા વર્ષે યોજાનાર મહિલા T20 વર્લ્ડકપ 2026 નું સંપૂર્ણ શેડ્યુલ જાહેર કર્યું છે. આ વખતે મહિલા T20 વર્લ્ડકપ ઈંગ્લેન્ડની યજમાની હેઠળ રમાશે જે 12 જૂનથી 5 જુલાઈ સુધી ચાલશે. ભારત 14 જૂને પાકિસ્તાન સામે પોતાની પહેલી મેચ રમશે.
ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં મળ્યું સ્થાન
મહિલા T20 વર્લ્ડકપ 2026 માં કુલ 12 ટીમો ભાગ લેશે, જેને 6-6 ટીમોના 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકાને ગ્રુપ A માં મૂકવામાં આવ્યા છે. 2 ટીમો ગ્લોબલ ક્વોલિફાયર દ્વારા ગ્રુપ A માં સ્થાન મેળવશે.
ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડીઝને ગ્રુપ B માં મૂકવામાં આવ્યા છે. આ ગ્રુપમાં પણ 2 ટીમો ગ્લોબલ ક્વોલિફાયર દ્વારા નક્કી કરવામાં આવશે. આ ટીમો વચ્ચે કુલ 33 મેચ રમાશે. ટુર્નામેન્ટના પહેલી મેચમાં યજમાન ઈગ્લેન્ડ અને શ્રીલંકા ટકરાશે.
ક્યારે રમાશે મહિલા T20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ?
બંને ગ્રુપમાંથી ટોપ 2 ટીમોને સેમીફાઈનલમાં પ્રવેશ મળશે. મહિલા T20 વર્લ્ડકપ 2026 ની સેમીફાઈનલ મેચ 30 જૂન અને 2 જુલાઈના રોજ ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે. ફાઈનલ મેચ 5 જુલાઈના રોજ લોર્ડ્સ ગ્રાઉન્ડ પર રમાશે.
મહિલા T20 વર્લ્ડકપ 2026 માટે ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ
ટીમ ઈન્ડિયા 14 જૂને પાકિસ્તાન સામેની મેચથી T20 વર્લ્ડકપ 2026માં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ટીમ 17 જૂને ગ્લોબલ ક્વોલિફાયરમાંથી આવતી ટીમ સામે બીજી મેચ રમશે. ભારતીય ટીમ 21 જૂને ત્રીજી મેચમાં સાઉથ આફ્રિકાનો સામનો કરશે. ભારતનો ચોથો મુકાબલો 24 જૂને ગ્લોબલ ક્વોલિફાયરમાંથી આવતી ટીમ સામે થશે.