મહિલા વનડે વર્લ્ડકપ 2025ની ફાઈનલ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતે આ મેચ 52 રનથી જીતી હતી, જે ભારતે પહેલી વાર મહિલા વનડે વર્લ્ડકપ જીત્યો હતો.
આ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 298 રન બનાવ્યા હતા. જવાબમાં આફ્રિકન ટીમ 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ મેચમાં ભારત તરફથી શેફાલી વર્મા અને દીપ્તિ શર્માએ અડધી સદી ફટકારી હતી.
ભારત તરફથી શેફાલી વર્મા અને દીપ્તિ શર્માએ અડધી સદી ફટકારી
પહેલા બેટિંગ કરતા ભારતે શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના સાથે સારી શરૂઆત કરી. તેમને 104 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી. સ્મૃતિએ 58 બોલમાં 45 રન બનાવ્યા. શેફાલી વર્મા પાસે આ મેચમાં સદી ફટકારવાની તક હતી, પરંતુ તે ચૂકી ગઈ. તેણે 78 બોલમાં 87 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા.
સેમીફાઈનલ મેચમાં સદી ફટકારનાર જેમિમા 37 બોલમાં ફક્ત 24 રન બનાવી શકી. કેપ્ટન હરમનપ્રીત કૌર 29 બોલમાં 20 રન બનાવ્યા બાદ ક્લીન બોલ્ડ થઈ ગઈ. અમનજોતે 14 બોલમાં 12 રન બનાવ્યા. રિચા ઘોષે 34 રન બનાવ્યા. દીપ્તિ શર્મા 58 રન બનાવીને રન આઉટ થઈ. સાઉથ આફ્રિકા તરફથી ઐબોંગા ખાકાએ 3 વિકેટ લીધી.
સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડની સદી ગઈ વ્યર્થ
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની શરૂઆત સારી રહી. તાઝમિન બ્રિટ્સ અને લૌરા વોલ્વાર્ડે પહેલી વિકેટ માટે 51 રનની પાર્ટનરશીપ કરી. બ્રિટ્સ 35 બોલમાં 23 રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્રીજા નંબરે બેટિંગ કરતી એનેકે બોશ પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહી. સુને લુસે 35 અને સિનાલો જાફાએ 16 રન બનાવ્યા.
સાઉથ આફ્રિકાના બાકીના બેટ્સમેન નિષ્ફળ રહ્યા, ત્યારે કેપ્ટન લૌરા વોલ્વાર્ડે શાનદાર સદી ફટકારી. તે 98 બોલમાં 101 રન બનાવીને આઉટ થઈ, જેમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા. અમનજોત કૌરે શાનદાર કેચ પકડ્યો. બોલિંગમાં, ભારત માટે દીપ્તિ શર્માએ સૌથી વધુ વિકેટ લીધી, જેમાં તેને 5 વિકેટ લીધી.