મહિલા ODI વર્લ્ડકપ 2025ની ફાઈનલ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. બંને ટીમો પોતાનો પહેલો ખિતાબ જીતવાનું ટાર્ગેટ રાખી રહી હતી. પરંતુ ભારતે સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલ જીતી લીધી. નવી મુંબઈમાં રમાયેલી આ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું. મહિલા વર્લ્ડકપ 2025માં ભારતીય ટીમની સફર પર એક નજર કરીએ...
આવી રહી હતી ભારતીય ટીમની સફર
ભારતે 30 સપ્ટેમ્બરના રોજ શ્રીલંકા સામે 2025 વર્લ્ડકપની પોતાની પહેલી મેચ રમી હતી. વરસાદને કારણે ભારતે 47 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 269 રન બનાવ્યા હતા, જ્યારે શ્રીલંકા 45.4 ઓવરમાં માત્ર 211 રન જ બનાવી શક્યું હતું. DLS પદ્ધતિ હેઠળ ભારતને 59 રનથી વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
બીજી મેચમાં ભારતે પાકિસ્તાન સામે યાદગાર જીત મેળવી. પહેલા બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 247/10 બનાવ્યા, અને પાકિસ્તાન 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું. આમ ભારતે પાકિસ્તાન સામે 88 રનથી યાદગાર જીત મેળવી.
ભારતને ત્રણ કારમી હારનો સામનો કરવો પડ્યો
પહેલી બે મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા સતત ત્રણ મેચ હારી ગઈ. સાઉથ આફ્રિકાએ ભારત સામે 3 વિકેટથી જીત મેળવી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ભારતને 3 વિકેટથી હરાવ્યું. આ દરમિયાન ઈંગ્લેન્ડની મહિલા ટીમે પણ ટીમ ઈન્ડિયા સામે જોરદાર પ્રદર્શન કર્યું, જેમાં 4 વિકેટથી જીત મેળવી.
ત્યારબાદ ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું, પહેલા બેટિંગ કરી અને 49 ઓવરમાં 340/3 રન બનાવ્યા. ટાર્ગેટનો પીછો કરતા ન્યુઝીલેન્ડ 44 ઓવરમાં 8/271 જ બનાવી શક્યું. વરસાદના કારણે ભારતે 53 રનથી મેચ જીતી લીધી. આ જીતથી ભારત સેમીફાઈનલમાં પહોંચી ગયું. આ દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી લીગ સ્ટેજની અંતિમ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી.
સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત
ભારતે બીજા સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું. ભારતે વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ રન ચેઝ કરીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 49.5 ઓવરમાં 338 રન બનાવ્યા. જવાબમાં જેમિમા રોડ્રિગ્સની યાદગાર સદીની મદદથી ભારતે 48.3 ઓવરમાં 5 વિકેટે જીત મેળવી. જેમિમાએ 134 બોલમાં 127 રનની શાનદાર ઈનિંગ રમી.
ફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને પહેલી વખત ટ્રોફી જીતી હતી. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ઇતિહાસ રચ્યો.