લીડ્સમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મેચ 5 વિકેટે જીતીને ઈંગ્લેન્ડે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ જીત સાથે ઈંગ્લેન્ડે એક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.
ઈંગ્લેન્ડની ટીમ ભારત સામે બે વાર 350 થી વધુ રનનો પીછો કરનારી પહેલી ટીમ બની ગઈ છે. ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ટેસ્ટ મેચમાં સૌથી વધુ કુલ રન (1655)નો આ રેકોર્ડ છે.
પહેલી ઈનિંગ ભારતીય ખેલાડીઓએ ફટકારી 3 સદી
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા ભારતે પહેલી ઈનિંગમાં 471 રન બનાવ્યા. આ દરમિયાન ભારત તરફથી ત્રણ ખેલાડીઓએ સદી ફટકારી. યશસ્વી જયસ્વાલે 101, શુભમન ગિલે 147 અને રિષભ પંતે 134 રન બનાવ્યા. તેમના સિવાય કેએલ રાહુલે 42 અને રવિન્દ્ર જાડેજાએ 11 રન બનાવ્યા. ઈંગ્લેન્ડ તરફથી જોશ ટોંગે 4 વિકેટ, સ્ટોક્સે 4 વિકેટ, બ્રાઈડન કાર્સે 1 વિકેટ અને શોએબ બશીરે 1 વિકેટ લીધી.
ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 465 રન બનાવ્યા
ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં ઓલ આઉટ થયા બાદ 465 રન બનાવ્યા હતા. ભારતને પહેલી ઈનિંગના આધારે 6 રનની લીડ મળી હતી. ઈંગ્લેન્ડ તરફથી ઓલી પોપે સદી ફટકારી હતી. ઓલી પોપે 106, હેરી બ્રુકે 99, બેન ડકેટે 62, જેમી સ્મિથે 40, ક્રિસ વોક્સે 38 અને જો રૂટે 28 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહએ 5 વિકેટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ 3 અને મોહમ્મદ સિરાજે 2 વિકેટ લીધી હતી.
ભારતે બીજી ઈનિંગમાં 364 રન બનાવ્યા
ભારતે બીજી ઈનિંગમાં 364 રન બનાવ્યા. આ દરમિયાન કેએલ રાહુલ અને રિષભ પંતે સદી ફટકારી. કેએલ રાહુલે 137 અને પંતે 118 રન બનાવ્યા. રિષભ પંતે બંને ઈનિંગમાં સદી ફટકારી. તેના સિવાય સાઈ સુદર્શને 30, કરુણ નાયરે 20 અને રવિન્દ્ર જાડેજાએ 25 રન બનાવ્યા. ઈંગ્લેન્ડ તરફથી બ્રાઈડન કાર્સે 3 વિકેટ, જોશ ટંગે 3, શોએબ બશીરે 2, ક્રિસ વોક્સે 1 અને સ્ટોક્સે 1 વિકેટ લીધી.
ઈંગ્લેન્ડે 5 વિકેટથી જીતી મેચ
371 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. આ જીત સાથે ઈંગ્લેન્ડે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડ તરફથી બેન ડકેટે 149 રન બનાવીને મેચને પોતાના પક્ષમાં કરી દીધી હતી. જેક ક્રાઉલીએ 65 અને બેન સ્ટોક્સે 33 રન બનાવ્યા. જો રૂટે એક છેડો પકડી રાખ્યો હતો અને અડધી સદી ફટકારી હતી. રૂટે અણનમ 53 અને જેમી સ્મિથે અણનમ 44 રન બનાવ્યા.