ઈંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પહેલી ઈનિંગમાં 471 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. પાંચ મેચની આ ટેસ્ટ સિરીઝની પહેલી મેચ લીડ્સના મેદાન પર રમાઈ રહી છે, જેમાં ટીમ ઈન્ડિયાને પહેલા બેટિંગ કરવાની તક મળી.
મેચની પહેલા દિવસે જ્યારે ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન શુભમન ગિલે સદી ફટકારી હતી, ત્યારે રિષભ પંતે પણ બીજા દિવસની મેચની શરૂઆત સાથે જ પોતાની સદી પૂર્ણ કરી. ત્રણ સદી ફટકારવા છતાં શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમે એક અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો છે.
એક ઈનિંગમાં ત્રણ સદી ફટકારવા છતાં સૌથી ઓછો સ્કોર
ટેસ્ટ ક્રિકેટમાં એવું ખૂબ જ ઓછું જોવા મળે છે કે કોઈ ટીમના ત્રણ બેટ્સમેન એક ઈનિંગમાં સદી ફટકારી શકે. ટીમ ઈન્ડિયા તરફથી લીડ્સ ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં ત્રણ ખેલાડીઓ સદી ફટકારી પરંતુ તેમ છતાં ભારતીય ટીમનો પહેલી ઈનિંગ 471 રન સુધી મર્યાદિત રહ્યો.
આ સાથે ટેસ્ટ ક્રિકેટમાં એક ઈનિંગમાં ત્રણ વ્યક્તિગત સદી છતાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ હવે ભારતીય ટીમના નામે નોંધાયો છે. આ પહેલા આ રેકોર્ડ સાઉથ આફ્રિકાના નામે હતો. 2016 માં ઈંગ્લેન્ડ સામે સેન્ચુરિયન ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમના ત્રણ ખેલાડીઓએ સદી ફટકારી હતી, પરંતુ તેમની પહેલી ઈનિંગ 475 રન સુધી મર્યાદિત રહી હતી.
જોશ ટોંગ અને બેન સ્ટોક્સે લીધી 4-4 વિકેટ
લીડ્સ ટેસ્ટ મેચમાં એક સમયે ભારતીય ટીમ પહેલી ઈનિંગ 500 રનના સ્કોરને પાર કરશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયાને 430ના સ્કોર પર ચોથો ઝટકો લાગ્યો ત્યારબાદ 471માં ટીમ ઓલઆઉટ થઈ ગઈ. પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને જોશ ટોંગે 4-4 વિકેટ લીધી, જ્યારે બ્રાયડન કાર્સ અને શોએબ બશીર પણ 1-1 વિકેટ લીધી.