ભારતની અંડર-19 ટીમ હાલમાં ઈંગ્લેન્ડમાં પાંચ મેચની યુથ વનડે સિરીઝ રમી રહી છે. આ સિરીઝમાં વૈભવ સૂર્યવંશીએ અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને પહેલી બે મેચમાં શાનદાર બેટિંગ કરી હતી પરંતુ ત્યાં અડધી સદી ફટકારવામાં ચૂકી ગયો હતો.


ત્રીજી મેચમાં વૈભવ સૂર્યવંશીએ તોફાની બેટિંગ કરી અને 86 રન બનાવ્યા. આ ઈનિંગમાં વૈભવ સૂર્યવંશીએ 9 છગ્ગા ફટકાર્યા અને આ સાથે તેને એક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.

વૈભવ સૂર્યવંશીએ બનાવ્યો નવો રેકોર્ડ

વૈભવ સૂર્યવંશી અંડર-19 યુથ વનડે મેચની એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા મારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ રાજ બાવા અને મનદીપ સિંહના નામે હતો. બંનેએ યુથ વનડે મેચની એક ઈનિંગમાં 8-8 છગ્ગા ફટકાર્યા હતા. રાજ બાવાએ 2022માં યુગાન્ડા સામે 8 છગ્ગા ફટકાર્યા હતા. મનદીપે 2009માં ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમ સામેની મેચમાં 8 છગ્ગા ફટકાર્યા હતા. અંકુશ બેન્સે 2013માં ઝિમ્બાબ્વે અંડર-19 ટીમ સામેની મેચમાં 7 છગ્ગા ફટકાર્યા હતા.

અંડર-19 યુવા વનડે મેચોમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેન

9 – વૈભવ સૂર્યવંશી વિ ઈંગ્લેન્ડ U19, નોર્થમ્પટન, 2025

8 – રાજ બાવા વિ યુગાન્ડા U19, તરૌબા, 2022

8 - મનદીપ સિંહ વિ ઓસ્ટ્રેલિયા U19, હોબાર્ટ, 2009

7 - અંકુશ બેન્સ વિ ઝિમ્બાબ્વે U19, વિશાખાપટ્ટનમ, 2013

વૈભવ સૂર્યવંશીએ મચાવી ધૂમ

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી યુથ વનડે મેચમાં વૈભવ સૂર્યવંશીએ 31 બોલમાં 6 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 86 રન બનાવ્યા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 277.42 હતો. તેને તોફાની ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને રન ચેઝમાં શાનદાર શરૂઆત અપાવી હતી.

તમને જણાવી દઈએ કે સૂર્યવંશીએ પહેલી મેચમાં 19 બોલમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 48 રન બનાવ્યા હતા. બીજી મેચમાં તેને 34 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 45 રન બનાવ્યા હતા. પાંચ મેચની આ સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે.

  • Follow us on: