ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ લોર્ડ્સમાં રમાઈ રહી છે. આ મેચમાં કેએલ રાહુલે ભારત માટે શાનદાર બેટિંગ કરીને સદી ફટકારી છે. લોર્ડ્સના મેદાન પર કેએલ રાહુલની આ બીજી સદી છે.
કેએલ રાહુલ આ મેદાન પર સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર બીજા ભારતીય બેટ્સમેન બન્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં રાહુલની આ 10મી સદી છે. લોર્ડ્સમાં ભારતીય બેટ્સમેન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ દિલીપ વેંગસરકરના નામે છે. તેમને અહીં ત્રણ સદી ફટકારી છે.
રાહુલે ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં કરી શાનદાર બેટિંગ
આ ટેસ્ટ સિરીઝમાં કેએલ રાહુલની આ બીજી સદી છે. આ પહેલા કેએલ રાહુલે લીડ્સમાં રમાયેલી ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. ત્યાં તેને બીજી ઈનિંગમાં 247 બોલમાં 137 રન બનાવ્યા હતા. લોર્ડ્સમાં સદી ફટકારીને તે આ મેદાન પર 2 ટેસ્ટ સદી ફટકારનાર પહેલો એશિયન ઓપનર બન્યો છે.
આ પહેલા રાહુલે 2021માં આ મેદાન પર સદી ફટકારી હતી. ત્યાં તેને 129 રનની ઈનિંગ રમી હતી. આ રાહુલની ઈંગ્લેન્ડમાં ચોથી સદી છે. વર્ષ 2000 પછી ઈંગ્લેન્ડમાં કોઈપણ ઓપનર દ્વારા ફટકારવામાં આવેલી આ બીજી સૌથી વધુ સદી છે. આ પહેલા ગ્રીમ સ્મિથે 5 સદી ફટકારી હતી.
ખાસ લિસ્ટમાં મેળવ્યું સ્થાન
ઈંગ્લેન્ડની ધરતી પર સૌથી વધુ સદી ફટકારવાના મામલે કેએલ રાહુલે હવે સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. સચિને પોતાના કરિયરમાં ઈંગ્લેન્ડની ધરતી પર 4 સદી ફટકારી હતી. હવે કેએલ રાહુલે પણ 4 સદી સાથે આ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. પરંતુ રાહુલ દ્રવિડનું નામ આ લિસ્ટમાં ટોપ પર છે . તેમના નામે 6 સદી છે .
સદી ફટકાર્યા બાદ આઉટ થયો કેએલ રાહુલ
આ ટેસ્ટ મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. જો રૂટની સદીને કારણે ઈંગ્લેન્ડે પહેલો બેટિંગ કરતા 387 રન બનાવ્યા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ પણ 5 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા છે. કેએલ રાહુલ સદી પૂર્ણ કર્યા પછી તરત જ આઉટ થઈ ગયો. તેને 177 બોલમાં 100 રન બનાવ્યા. શોએબ બશીરે તેની વિકેટ લીધી. રાહુલના આઉટ થયા પહેલા ભારતે રિષભ પંતના રૂપમાં પોતાની ચોથી વિકેટ ગુમાવી દીધી હતી.