માન્ચેસ્ટર ટેસ્ટની છેલ્લી ઈનિંગમાં ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે પોતાની બેટિંગથી ધૂમ મચાવી અને ટેસ્ટ કરિયરની પહેલી સદી ફટકારી. આ સદી તેના કરિયરમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી આ સાથે ટીમ ઈન્ડિયા માટે એક ટર્નિંગ પોઈન્ટ પણ સાબિત થઈ.
વોશિંગ્ટન સુંદરે 311 રનની લીડ દૂર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને પછી ભારતને લીડ અપાવવામાં પણ ખાસ રોલ પ્લે કર્યો . તેની ઈનિંગને કારણે ટીમ ઈન્ડિયા માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર ઈંગ્લેન્ડ સામેની મેચ ડ્રો કરવામાં સફળ રહી.
માન્ચેસ્ટરમાં વોશિંગ્ટન સુંદરની સ્પેશિયલ ઈનિંગ
વોશિંગ્ટન સુંદરને માન્ચેસ્ટર ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં પ્રમોશન મળ્યું અને તેને 5મા નંબરે બેટિંગ માટે મોકલવામાં આવ્યો. તેને આ તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને શાનદાર ઈનિંગ રમી. જ્યારે વોશિંગ્ટન સુંદર બેટિંગ કરવા આવ્યો ત્યારે ભારતીય ટીમે 188 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી વોશિંગ્ટન સુંદરે શુભમન ગિલ સાથે ઈનિંગને આગળ વધારી, પરંતુ શુભમન ગિલ આઉટ થઈ ગયો અને પછી રવિન્દ્ર જાડેજા સાથે યાદગાર પાર્ટનરશીપ કરી.
આ ઈનિંગમાં વોશિંગ્ટન સુંદરે 206 બોલનો સામનો કર્યો અને અણનમ 101 રન બનાવ્યા. તેની ઈનિંગમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાનો સામેલ છે. તમને જણાવી દઈએ કે વોશિંગ્ટન સુંદરનું ટેસ્ટ કરિયર 2021માં શરૂ થયું હતું અને વોશિંગ્ટન સુંદરને તેની પહેલી ઈન્ટરનેશનલ સદી માટે 4 વર્ષ રાહ જોવી પડી. પરંતુ તેની ઈનિંગ ઘણી રીતે સ્પેશિયલ હતી. તે ટીમ મેનેજમેન્ટના વિશ્વાસ પર ખરો ઉતર્યો અને ટીમને ડ્રો તરફ દોરી ગયો.
રવિન્દ્ર જાડેજા સાથે શાનદાર પાર્ટનરશીપ
આ ઈનિંગમાં વોશિંગ્ટન સુંદરે રવિન્દ્ર જાડેજા સાથે શાનદાર પાર્ટનરશીપ પણ કરી હતી. બંને ખેલાડીઓએ 334 બોલ રમ્યા અને અણનમ 203 રન બનાવ્યા. સૌથી મહત્ત્વની વાત એ હતી કે બંને ખેલાડીઓએ ટીમ ઈન્ડિયા માટે 2 સેશનથી વધુ બેટિંગ કરી અને વિકેટ ગુમાવી નહીં. વોશિંગ્ટન સુંદર સેના દેશમાં પોતાની પહેલી ટેસ્ટ સદી ફટકારનાર 26મો ભારતીય બન્યો. આ સિવાય તે ભારત માટે ટેસ્ટમાં સદી ફટકારનાર 70મો ખેલાડી પણ બન્યો.