માન્ચેસ્ટર ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ શૂન્યના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. તે સમયે નંબર 4 પર બેટિંગ કરવા આવેલા કેપ્ટન શુભમન ગિલે જવાબદારી સંભાળી અને શાનદાર સદી ફટકારી.


ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલની આ સદી સાથે ટીમ ઈન્ડિયાની 35 વર્ષની રાહ પણ પૂરી થઈ છે. ઓલ્ડ ટ્રેફોર્ડમાં સદી ફટકારીને શુભમન ગિલ હવે ભારતીય સચિન તેંડુલકરના ખાસ ક્લબમાં જોડાઈ ગયો છે.

શુભમન ગિલે શાનદાર સદી ફટકારી

મુશ્કેલ પરિસ્થિતિઓમાં બેટિંગ કરવા આવેલા શુભમન ગિલે આ ઈનિંગમાં 103 રન બનાવ્યા છે. આ સાથે તે 35 વર્ષ પછી માન્ચેસ્ટર ટેસ્ટમાં સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ પહેલા 1990 માં સચિન તેંડુલકરે આ મેદાન પર ટેસ્ટ સદી ફટકારી હતી. આ સિવાય શુભમન ગિલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સંયુક્ત રીતે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બન્યો છે.


રોહિત શર્મા અને શુભમન ગિલ બંનેએ આ ટુર્નામેન્ટમાં 9-9 સદી ફટકારી છે. શુભમન ગિલ ક્રિકેટ ઈતિહાસમાં પહેલો કેપ્ટન છે જેણે વિદેશી પ્રવાસ પર એક સિરીઝમાં 4 સદી ફટકારી છે. સર ડોન બ્રેડમેન અને સુનીલ ગાવસ્કરે પણ કેપ્ટન તરીકે એક ટેસ્ટ સિરીઝમાં 4-4 સદી ફટકારી છે, પરંતુ બંને દિગ્ગજોએ ઘરઆંગણે આ સિદ્ધિ મેળવી હતી.

શુભમન ગિલે તોડ્યા અનેક રેકોર્ડ

આ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક સિરીઝમાં 2 ખેલાડીઓએ 4-4 સદી ફટકારી હતી. દિગ્ગજ સુનીલ ગાવસ્કરે આ સિદ્ધિ બે વાર મેળવી છે. વિરાટ કોહલીએ પણ એક ટેસ્ટ સિરીઝમાં એક વખત 4 સદી ફટકારી હતી. શુભમન ગિલ પણ આ ખાસ ક્લબમાં જોડાયો છે.

શુભમન ગિલ કેપ્ટન તરીકે પોતાની પહેલી ટેસ્ટ સિરીઝમાં 4 સદી ફટકારનાર પહેલો ખેલાડી છે. અન્ય 5 ખેલાડીઓ - વોરવિક આર્મસ્ટ્રોંગ, ડોન બ્રેડમેન, ગ્રેગ ચેપલ, વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથે કેપ્ટન તરીકે પોતાની પહેલી સિરીઝમાં 3-3 સદી ફટકારી હતી. આ સિવાય ગિલ ઈંગ્લેન્ડ પ્રવાસ પર 700 ટેસ્ટ રન બનાવનાર એશિયાનો પહેલો બેટ્સમેન બન્યો છે.

  • Follow us on: