ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચમાં 4 દિવસની રમત પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે આ મેચનો છેલ્લો અને નિર્ણાયક દિવસ છે. ટીમ ઈન્ડિયા હારનો ભય ધરાવે છે, પરંતુ ભારતીય ટીમ પાંચમા દિવસે ત્રણેય સત્ર રમીને મેચ ડ્રો કરવાનો પ્રયાસ કરશે, કારણ કે હવે ટીમ ઈન્ડિયા માટે મેચ જીતવી લગભગ અશક્ય છે.


ચોથા દિવસે કેપ્ટન શુભમન ગિલ અને કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરી અને 172 રનની પાર્ટનરશીપ કરી. શરૂઆતમાં 2 વિકેટ લીધા બાદ ઈંગ્લેન્ડના બોલરો વિકેટ માટે તડપતા જોવા મળ્યા. ચોથા દિવસે ઝડપી બોલર બ્રાઈડન કાર્સેનું એક કૃત્ય કેમેરામાં કેદ થયું, જેના પછી બોલ ટેમ્પરિંગનો મામલો સોશિયલ મીડિયા પર જોર પકડતો જોવા મળી રહ્યો છે.

બ્રાયડન કાર્સે કર્યું બોલ ટેમ્પરિંગ?

આ આખી ઘટના બ્રાઈડન કાર્સ દ્વારા ફેંકાતી 12મી ઓવરની છે. આ ઓવરમાં શુભમન ગિલે બ્રાયડન કાર્સના બોલ પર સતત 2 ચોગ્ગા ફટકાર્યા. આ પછી બ્રાયડન કાર્સે ફોલો થ્રુમાં પગ રાખીને બોલ રોક્યો. ત્યારબાદ બ્રાઈડન કાર્સ તેના જૂતાથી બોલ દબાવતો જોવા મળ્યો. તેની ક્રિયા ઓસ્ટ્રેલિયન દિગ્ગજ રિકી પોન્ટિંગે પણ જોઈ. કોમેન્ટ્રી દરમિયાન રિકી પોન્ટિંગે કહ્યું કે "તે બ્રાઇડન કાર્સની છેલ્લી ઓવર હતી, આ દરમિયાન તે ફોલો થ્રુમાં આવું કરે છે, બોલ રોકે છે... ઓપ્સ. તે જૂતાના સ્પાઈક્સથી બોલ પર કેટલાક મોટા નિશાન બનાવે છે."


ટીમ ઈન્ડિયાએ ચોથા દિવસે બનાવ્યા 172 રન

માન્ચેસ્ટર ટેસ્ટના ચોથા દિવસે ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 669 રન પર સમાપ્ત થયો. ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે 150 અને કેપ્ટન બેન સ્ટોક્સે 141 રન બનાવ્યા. ટીમ ઇન્ડિયા તરફથી બોલિંગ કરતી વખતે રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ લીધી. આ પછી, ટીમ ઇન્ડિયાએ ચોથા દિવસની રમતના અંત સુધીમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ 172 રન બનાવ્યા. ટીમ ઇન્ડિયાને યશસ્વી જયસ્વાલ અને સાઇ સુદર્શનના રૂપમાં બે ઝટકાનો સામનો કરવો પડ્યો. આ બંને બેટ્સમેન ખાતું ખોલ્યા વિના આઉટ થયા.

આ પછી શુભમન ગિલ અને કેએલ રાહુલે ઈનિંગ્સ સંભાળી અને શાનદાર બેટિંગ પ્રદર્શન રજૂ કરતી વખતે અડધી સદી ફટકારી. પાંચમા દિવસે આ બંને ખેલાડીઓ લાંબી ઈનિંગ રમીને મેચ ડ્રો કરવા માગશે. ચોથા દિવસની રમતના અંત સુધીમાં કેએલ રાહુલે 87 અને ગિલે 78 રન બનાવ્યા હતા.


  • Follow us on: