ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે માન્ચેસ્ટરમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. તેને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય કેપ્ટન તરીકે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે.


કેપ્ટન તરીકે શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામેની ચાલુ ટેસ્ટ સિરીઝમાં 668 રન બનાવ્યા છે. વિરાટે 2016-17માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં 655 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સુનીલ ગાવસ્કરના નામે છે.

શુભમન ગિલ પાસે સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ તોડવાની તક

1978-79માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં સુનીલ ગાવસ્કરે 6 મેચમાં 732 રન બનાવ્યા હતા. શુભમન ગિલ પાસે આ સિરીઝમાં સુનીલ ગાવસ્કરનો આ રેકોર્ડ તોડવાની તક છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે શુભમન ગિલ આ સિરીઝમાં સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ તોડી શકશે કે નહીં. શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં અત્યાર સુધી શાનદાર બેટિંગ કરી છે. પરંતુ માન્ચેસ્ટર ટેસ્ટની પહેલી ઈનિંગમાં તે નિષ્ફળ ગયો હતો. ત્યાં તે 12 રન બનાવીને આઉટ થયો હતો.

ઈંગ્લેન્ડ તરફથી જો રૂટ અને બેન સ્ટોક્સે ફટકારી શાનદાર સદી

ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પહેલા બેટિંગ કરતી વખતે 358 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ પહેલી ઈનિંગમાં 669 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો, તેને 248 બોલમાં 150 રન બનાવ્યા હતા. તેના સિવાય ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે 198 બોલમાં 141 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન બેન સ્ટોક્સે 11 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. પહેલી ઈનિંગના આધારે ઈંગ્લેન્ડની ટીમ 311 રનની લીડ મેળવવામાં સફળ રહી હતી.

રાહુલ અને ગિલ કરી રહ્યા છે શાનદાર બેટિંગ

ટીમ ઈન્ડિયા માટે બીજી ઈનિંગની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમના બે બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શન કોઈ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા. બે વિકેટ વહેલા પડી ગયા બાદ કેપ્ટન શુભમન ગિલે કેએલ રાહુલ સાથે મળીને ભારતીય ઈનિંગની કમાન સંભાળી. બંને વચ્ચે 130 રનની પાર્ટનરશીપ થઈ છે. ગિલ અને રાહુલ હજુ પણ ક્રીઝ પર હાજર છે.

  • Follow us on: