ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ ડ્રો થઈ ગઈ છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર ભારતીય ટીમ માટે સૌથી મોટા હીરો સાબિત થયા હતા. આ બે ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયા ટેસ્ટ ડ્રો કરવામાં સફળ રહી હતી.


મેચમાં ટોસ હાર્યા બાદ ભારતીય ટીમે પહેલા બેટિંગ કરીને 358 રન બનાવ્યા હતા. આ પછી ઈંગ્લેન્ડના ખેલાડીઓએ તેમની પહેલી ઈનિંગમાં સારું પ્રદર્શન કર્યું અને 669 રન બનાવ્યા. પેહલી ઇનિંગના આધારે ઈંગ્લેન્ડને 311 રનની લીડ મેળવી હતી.

ભારતીય ટીમની શરૂઆત રહી ખરાબ

ચોથી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. જ્યારે સાઈ સુદર્શન અને યશસ્વી જયસ્વાલ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા ત્યારે ટીમ ઈન્ડિયા એક પણ રન બનાવી શકી નહીં. ત્યારબાદ કેપ્ટન શુભમન ગિલ અને કેએલ રાહુલે 188 રનની પાર્ટનરશીપ કરી. કેએલ રાહુલ 90 રન અને શુભમન ગિલ 103 રન બનાવીને આઉટ થયા. આ પછી રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી.


રવિન્દ્ર જાડેજાએ કરી શાનદાર બેટિંગ

રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર બોલરો સામે દિવાલની જેમ ઉભા રહ્યા અને અંત સુધી આઉટ ન થયા. રવિન્દ્ર જાડેજાએ 101 રન અને વોશિંગ્ટન સુંદરે 107 રન બનાવ્યા. આ બંનેની સદી બાદ બંને ટીમોના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા અને ટેસ્ટ મેચ ડ્રો થઈ.

ત્રણ બેટ્સમેનોએ ફટકારી સદી

ભારતીય ટીમ માટે આ પહેલી વાર છે જ્યારે ત્રણ બેટ્સમેનોએ ટેસ્ટ મેચની ત્રીજી ઈનિંગમાં સદી ફટકારી હોય. આમાં શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજાના નામ સામેલ છે. ત્રણ ભારતીય બેટ્સમેન હજુ સુધી ચોથી ઈનિંગમાં સદી ફટકારી શક્યા નથી.

ટીમ ઈન્ડિયા પાસે સિરીઝ બરાબર કરવાની તક

ચોથી ટેસ્ટ મેચ ડ્રો થઈ હોવા છતાં ભારતીય ટીમ હજુ પણ સિરીઝમાં 1-2 થી પાછળ છે. હવે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ બંને ટીમો વચ્ચે 31 જુલાઈથી રમાશે. જો ટીમ ઈન્ડિયા આમાં જીત મેળવે છે, તો ટીમ ઈન્ડિયા સિરીઝની બરાબરી કરશે.

  • Follow us on: