ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. લીડ્સના હેડિંગ્લીમાં 5 દિવસની મેચમાં ટીમ ઈન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો. બેન ડકેટની 149 રનની શાનદાર ઈનિંગ્સના આધારે ઈંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવીને 371 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો.
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ 5 સદી ફટકારી હતી. તેમ છતાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાના નામે એક શરમજનક રેકોર્ડ જોડાયો.
પહેલીવાર કોઈ ટીમ 5 સદી ફટકારવા છતાં ટેસ્ટ મેચ હારી ગઈ. આ દર્શાવે છે કે લીડ્સમાં ભારતીય બોલરોનું પ્રદર્શન કેટલું નિરાશાજનક હતું. 5 મેચની ટેસ્ટ સિરીઝના આ પહેલી મેચમાં બીજો એક મહાન રેકોર્ડ જોવા મળ્યો, જે બંને ટીમો સાથે સંબંધિત છે.
ત્રીજી વાર થયું આવું
તમને જણાવી દઈએ કે ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષના ઈતિહાસમાં આ ફક્ત ત્રીજી વખત છે જ્યારે કોઈ ટેસ્ટ મેચની ચારેય ઈનિંગ્સમાં 350 થી વધુ રનનો સ્કોર બન્યો હોય. આ પહેલા 1948માં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવું જોવા મળ્યું હતું. 1921માં પહેલી વાર આવું બન્યું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે તેમની બંને ઈનિંગ્સમાં 350 થી વધુ રન બનાવ્યા હતા.
લીડ્સ ટેસ્ટની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલ, કેપ્ટન શુભમન ગિલ અને રિષભ પંતની સદીઓની મદદથી 471 રન બનાવ્યા હતા. આ પછી ઈંગ્લેન્ડે પણ પહેલી ઈનિંગમાં 465 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ 364 રન બનાવ્યા હતા અને પછી ઈંગ્લેન્ડે 371 રનના ટાર્ગેટનો પીછો કરીને ઈતિહાસ રચ્યો હતો.
ટેસ્ટ મેચની તમામ ચારેય ઈનિંગમાં બન્યો 350+ સ્કોર
ઓસ્ટ્રેલિયા (354 અને 582) વિ ઈંગ્લેન્ડ (447 અને 370), એડિલેડ, 1921
ઓસ્ટ્રેલિયા (458 અને 404/3) વિ ઈંગ્લેન્ડ (496 અને 365/8d), હેડિંગ્લી, 1948
ઈંગ્લેન્ડ (465 અને 373/5) વિ ભારત (471 અને 364), હેડિંગ્લી, 2025