શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાની શરુઆત હાર સાથે થઈ છે. લીડ્સના હેડિંગ્લેમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ 371 રનનો ટાર્ગેટ આપવા છતાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવીને ભારત સામે બીજી સૌથી મોટી જીત મેળવી.


ભારત તરફથી બંને ઈનિંગમાં ભારતીય ખેલાડીઓએ 5 સદી ફટકારી હતી પરંતુ ખરાબ બોલિંગ અને ફીલ્ડિંગને કારણે બેટ્સમેનની ઈનિંગ પર પાણી ફેરવાઈ ગયું.

ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં બુમરાહ એકલાએ 5 વિકેટ લીધી હતી. બાકીના બોલર્સે સારું પ્રદર્શન કર્યું પણ રન સૌથી વધુ આપ્યા. બીજી ઈનિંગમાં બુમરાહે કોઈ વિકેટ લીધી નહીં. આ દરમિયાન ખરાબ ફીલ્ડિંગને આગમાં ઘી નાખવાનું કામ કર્યું. યશસ્વી જયસ્વાલે બંને ઈનિંગના મળીને 4 કેચ છોડ્યા હતા. જેમાં એક ઈંગ્લેન્ડની જીતના હીરો બેન ડકેટનો કેચ હતો. બેન ડકેટે 149 રનની ઐતિહાસિક ઈનિંગ રમી અને ટીમ ઈન્ડિયાની હારમાં મોટી ભૂમિકા ભજવી.

પંતે બંને ઈનિંગમાં સદી ફટકારી

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ પહેલી એવી ટીમ બની છે, જેમાં ટીમ તરફથી 5 ખેલાડીઓએ સદી ફટકારી અને પછી પણ ટીમ હારી ગઈ. આ 5 સદીમાંથી 2 સદી તો રિષભ પંતે ફટકારી હતી. પંતે બંને ઈનિંગમાં સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી, પરંતુ આ સદી ટીમ ઈન્ડિયાને કામ ન આવી શકી. આ પહેલીવાર નથી, જ્યારે પંતે વિદેશી ધરતી પર સદી ફટકારી હોય અને ટીમ ઈન્ડિયાએ હારને સામનો કરવો પડ્યો હોય. આ પહેલા પણ આવું ઘણીવાર જોવા મળ્યું છે. ખાસ કરીને વિદેશી ધરતી પર.

પંતની સદી ટીમ ઈન્ડિયાને નથી આવતી કામ

ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં પાંચમી વાર આવું થયું છે કે રિષભ પંતે વિદેશી ધરતી પર સદી ફટકારી હોય, પરંતુ ટીમ ઈન્ડિયા મેચ જીતી શકી ન હોય. લીડ્સ ટેસ્ટમાં પહેલા 4 વાર જ્યારે પંતે ભારતની બહાર ટેસ્ટમાં સદી ફટકારી હતી, ત્યારે પણ ટીમ ઈન્ડિયા જીત હાંસલ કરી શકી ન હતી. આમાં 3 વાર ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે એક મેચ ડ્રો રહી હતી. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે પંત જ્યારે પણ પૂર્ણ પ્રયાસ કરે છે પરંતું તેની આ મહેનત ટીમ ઈન્ડિયા માટે ક્યારેય કામ આવતી નથી.

  • Follow us on: