ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પહેલી મેચ લીડ્સમાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ કારમી હારનો સામનો કરવો પડ્યો. શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડ પ્રવાસ પર ખરાબ શરુઆત થઈ.


આ મેચમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ તરફથી પાંચ સદી ફટકારવામાં આવી, જેમાં 2 સદી વિકેટકીપર બેટ્સમેન અને ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન રિષભ પંતે ફટકારી. પહેલી મેચમાં મળેલી હાર બાદ તેનું દિલ તૂટી ગયું છે અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.

હારથી તૂટ્યું રિષભ પંતનું દિલ!

લીડ્સમાં રિષભ પંતનું પ્રદર્શન શાનદાર રહ્યું. બંને ઈનિંગમાં રિષભ પંતે સદી ફટકારી, જે બાદ પંત ટેસ્ટ ક્રિકેટમાં બંને ઈનિંગમાં સદી ફટકારનાર પહેલો ભારતીય વિકેટકીપર બેટ્સમેન બન્યો. મેચની પહેલી ઈનિંગમાં પંતે 134 અને બીજી ઈનિંગમાં 118 રન બનાવ્યા હતા. તે હાર બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાં લખ્યું છે 'આ દર્દ થોડા સમય સુધી રહેશે, પરંતુ અમે શાનદાર રીતે પરત ફરીશું.'


ઈંગ્લેન્ડે 5 વિકેટે જીતી મેચ

આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં બેટિંગ કરતાં 471 રન બનાવ્યા હતા. પહેલી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા તરફથી યશસ્વી જયસ્વાલ, શુભમન દગિલ અને રિષભ પંતે સદી ફટકારી હતી. જે બાદ ઈંગ્લેન્ડની ટીમ પહેલી ઈનિંગમાં 465 રન બનાવ્યા હતા અને ટીમ ઈન્ડિયા પાસે માત્ર 6 રનની લીડ હતી. ઈંગ્લેન્ડ તરફથી પહેલી ઈનિંગમાં ઓલી પોપે સદી ફટકારી હતી, જ્યારે હેરી બ્રુકે પોતાની સદી માત્ર 1 રનથી ચૂકી ગયો હતો. ટીમ ઈન્ડિયા તરફથી પહેલી ઈનિંગમાં બોલિંગ કરતાં જસપ્રીત બુમરાહે 5 વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ 364 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા તરફથી કેએલ રાહુલ અને રિષભ પંતે સદી ફટકારી હતી. રાહુલે 137 અને પંતે 118 રનની ઈનિંગ રમી હતી. આ બાદ ઈંગ્લેન્ડે 373 રન બનાવીને મેચને 5 વિકેટથી જીતી લીધી હતી. ઈંગ્લેન્ડ પાસે હવે સિરીઝમાં 1-0ની લીડ છે.


  • Follow us on: