ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સિરીઝ દરમિયાન ઈંગ્લેન્ડ ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. ઈંગ્લેન્ડ ટીમમાં જોફ્રા આર્ચરની એન્ટ્રી થવાની છે. તે ભારત સામે 5 મેચની ટેસ્ટ સિરીઝમાં રમવા માટે તૈયાર છે.
જોફ્રા આર્ચર ઈન્જરીને કારણે પહેલી મેચમાં ભાગ લઈ શક્યો નથી. પરંતુ હવે તેના પરત ફરવાની માહિતી સામે આવી છે.
ભારતીય ટીમનું વધ્યું ટેન્શન
મીડિયા રિપોર્ટ મુજબ ઘાતક બોલર જોફ્રા આર્ચર ભારત સામે બીજી ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર છે. પરંતુ બોર્ડ તેને બીજી મેચ માટે સામેલ કરે છે કે નહીં તે તો સમય જ કહેશે. પરંતુ જો આર્ચર પરત ફરે છે, તો ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધવાનું છે.
આર્ચર એક એવો બોલર છે જે ટેસ્ટ ફોર્મેટમાં કોઈપણ બેટ્સમેનને સરેન્ડર કરાવવા માટે મજબૂર કરવાની શક્તિ ધરાવે છે. જો તે ઈંગ્લેન્ડની ટીમમાં જોડાશે તો ટીમનું મનોબળ વધશે અને ફાસ્ટ બોલિંગ વિભાગ મજબૂત બનશે. જોફ્રા આર્ચર પોતાની ફાસ્ટ બોલિંગથી ભારતીય બેટ્સમેનોને ખૂબ જ મુશ્કેલીમાં મૂકી શકે છે.
શાનદાર રહ્યું છે પ્રદર્શન
જોફ્રા આર્ચર ઈજાને કારણે અત્યાર સુધી ઈંગ્લેન્ડ માટે ઘણી ટેસ્ટ મેચ રમ્યો નથી. તેને અત્યાર સુધી ફક્ત 13 ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ દરમિયાન આર્ચરે 42 વિકેટ લીધી છે. તેને 31.04 ની એવરેજ અને 2.99 ના ઈકોનોમી રેટથી રન આપ્યા છે.
છેલ્લી ટેસ્ટ મેચમાં તેનું પ્રદર્શન
છેલ્લે જોફ્રા આર્ચરે 2021માં અમદાવાદમાં ભારત સામે ટેસ્ટ મેચ રમી હતી. આ મેચની પહેલી ઈનિંગમાં આર્ચરે 1 બેટ્સમેનની વિકેટ લીધી હતી. તેને છેલ્લી 5 ઈનિંગમાં 4 વિકેટ લીધી છે. પરંતુ હવે આર્ચર લગભગ 4 વર્ષ પછી વાપસી કરવા માટે તૈયાર છે.