ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસ પર પહેલી ટેસ્ટમાં જ ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. લીડ્સમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓપનર યશસ્વી જયસ્વાલ, કેપ્ટન શુભમન ગિલ અને રિષભ પંતની સદીઓની મદદથી પહેલી ઈનિંગમાં 471 રન બનાવ્યા હતા.
જેના જવાબમાં ઈગ્લેન્ડ ટીમની પહેલી ઈનિંગ 465 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે એકલાએ ઈંગ્લેન્ડની અડધી ટીમને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ પછી ચોથા દિવસે ભારતની બીજી ઈનિંગમાં 2 અદ્ભુત સદી જોવા મળી.
કેએલ રાહુલે પોતાના ટેસ્ટ કરિયરની 9મી સદી ફટકારી. કેએલ રાહુલે પોતાની સદી પૂરી કર્યાના થોડા સમય બાદ રિષભ પંતે પણ સદી ફટકારીને નવો ઈતિહાસ રચ્યો. પંત એક ટેસ્ટ મેચની બંને ઈનિંગમાં સદી ફટકારનાર વિશ્વનો બીજો વિકેટકીપર-બેટ્સમેન બન્યો.
ભારત દ્વારા ફટકારવામાં આવી 5 સદી
રિષભ પંતે બીજી ઈનિંગ 130 બોલમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી પોતાના ટેસ્ટ કરિયરની 8મી સદી ફટકારી. રિષભ પંતે સદી ફટકારતાની સાથે જ ભારતીય ટેસ્ટ ક્રિકેટના 93 વર્ષના ઈતિહાસમાં એક મોટો ચમત્કાર થયો. પહેલીવાર ભારત તરફથી એક ટેસ્ટ મેચમાં 5 સદી જોવા મળી છે. લીડ્સ ટેસ્ટ પહેલા, ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ક્યારેય એક જ ટેસ્ટ મેચમાં 5 સદી ફટકારવાની મોટી સિદ્ધિ હાંસલ કરી ન હતી. આ પહેલા ભારત તરફથી એક ટેસ્ટ મેચમાં જોવા મળેલી સૌથી વધુ સદીઓની સંખ્યા 4 હતી. વર્ષ 2007 માં, ભારતીય બેટ્સમેનોએ મીરપુરમાં બાંગ્લાદેશ સામે આ સિદ્ધિ હાંસલ કરી હતી.
સિરીઝની પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડ માટે 371 રનનો ટાર્ગેટ રાખ્યો છે. ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 364 રન બનાવ્યા છે, ટીમને પહેલી ઈનિંગમાં 6 રનની લીડ મળી હતી, તેથી ઈંગ્લેન્ડને હવે પહેલી ટેસ્ટ મેચ જીતવા માટે 371 રન બનાવવા પડશે. ચોથા દિવસે ભારત માટે કેએલ રાહુલ અને રિષભ પંતે સદી ફટકારી.