ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ લોર્ડ્સમાં રમાઈ રહી છે. હાલમાં મેચનો ચોથો દિવસ ચાલી રહ્યો છે. ચોથા દિવસની રમત પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડ ટીમના સ્પિનર શોએબ બશીરને ટેસ્ટ મેચના ત્રીજા દિવસે આંગળીમાં ઈજા થઈ હતી.


તેની ઈજા અંગે એક મોટી અપડેટ સામે આવી છે. શોએબ બશીર બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ માટે બેટિંગ કરશે કે નહીં તે મેચ દરમિયાન નક્કી કરવામાં આવશે. તેની બોલિંગનો નિર્ણય પણ ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.

ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ છે શોએબ બશીર

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે શોએબ બશીર અંગે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ડાબા હાથની આંગળીમાં ઈજા થયા બાદ ડોક્ટરો હાલમાં શોએબ બશીર પર નજર રાખી રહ્યા છે અને તે આ ટેસ્ટની ચોથી ઈનિંગમાં બોલિંગ કરે તેવી અપેક્ષા છે. તે ત્રીજી ઈનિંગમાં બેટિંગ કરશે કે નહીં તે અંગેનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે. ચોથી ટેસ્ટ મેચમાં તેના રમવાનો નિર્ણય આ મેચના અંત પછી લેવામાં આવશે.

શોએબ બશીર બોલ પકડતી વખતે થયો હતો ઈજાગ્રસ્ત

તમને જણાવી દઈએ કે ભારતની પહેલી ઈનિંગના 78મા ઓવરમાં ત્રીજા દિવસે શોએબ બશીર ઈજાગ્રસ્ત થયો હતો. તે ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ બશીર તરફ એક બોલ માર્યો હતો. આ બોલ પકડવાનો પ્રયાસ કરતી વખતે તેની આંગળીઓમાં ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત થયા પછી બશીર પીડામાં હોય તેવું લાગતું હતું અને તરત જ મેદાન છોડીને ચાલ્યો ગયો હતો. બશીરના ગયા પછી ઈંગ્લેન્ડના અનુભવી ખેલાડી જો રૂટે ઓવર પૂર્ણ કરી.

શોએબ બશીરે ટેસ્ટ સિરીઝમાં કર્યું છે શાનદાર પ્રદર્શન

વર્તમાન સિરીઝમાં બશીરના પ્રદર્શનની વાત કરીએ તો તેને અત્યાર સુધીમાં 59.44 ની એવરોજથી 9 વિકેટ લીધી છે. શોએબ બશીરે લોર્ડ્સ ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં ભારત માટે સદી ફટકારનારા કેએલ રાહુલને આઉટ કર્યો હતો. જો બશીર આ ઈજાને કારણે માન્ચેસ્ટરમાં રમાનારી ચોથી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ જાય છે, તો તેના સ્થાને લિયામ ડોસન, જેક લીચ અથવા રેહાન અહેમદમાંથી કોઈ એકને તક મળી શકે છે.

  • Follow us on: