એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં રમાયેલી માન્ચેસ્ટર ટેસ્ટ મેચ ડ્રો રહી હતી પરંતુ તે પછી પણ ભારતીય ટીમની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. ટીમ હવે છેલ્લી ટેસ્ટ મેચ માટે લંડન પહોંચી ગઈ છે.


પાંચમી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ લંડન સ્થિત ભારતીય હાઈ કમિશન પહોંચ્યા હતા. જ્યાં ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સિવાય ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલે પણ એક ખાસ ગિફ્ટ આપી હતી.

લંડનમાં ટીમ ઈન્ડિયાનું સન્માન

સિરીઝની છેલ્લી મેચ 31 જુલાઈથી લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાશે. સિરીઝ બરાબર કરવા માટે ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતવી પડશે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા ટીમ ઈન્ડિયા લંડન સ્થિત ભારતીય હાઈ કમિશન પહોંચી હતી.


જ્યાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે માનનીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને ડેપ્યુટી હાઈ કમિશનર સુજીત ઘોષને બધા ખેલાડીઓ દ્વારા સહી કરાયેલું ક્રિકેટ બેટ ગિફ્ટમાં આપ્યું હતું. ખેલાડીઓએ ભારતીય હાઈ કમિશનમાં ઘણો સમય વિતાવ્યો છે. ટીમ ઈન્ડિયા છેલ્લી ટેસ્ટ મેચ માટે સંપૂર્ણપણે તૈયાર જોવા મળી રહી છે.

શુભમન ગિલની ટીમ માટે જીત છે મહત્વપૂર્ણ

ટીમ ઈન્ડિયા જ્યારે પણ ઈંગ્લેન્ડ પ્રવાસ પર જાય છે, ત્યારે તે ચોક્કસપણે એક વાર હાઈ કમિશનની મુલાકાત લે છે. છેલ્લી વખત કોવિડને કારણે આવું થઈ શક્યું ન હતું. આ વખતે ટીમ ઈન્ડિયા આ પહેલા ઈંગ્લેન્ડના કિંગ્સ ચાર્લ્સને પણ મળી હતી.

ઈંગ્લેન્ડ સામેના છેલ્લા પ્રવાસમાં ટીમ ઈન્ડિયાએ સિરીઝ 2-2થી ડ્રો કરી હતી. આ પરિસ્થિતિમાં હવે ટીમ પાસે પાછલા ઈતિહાસને રિપીટ કરવાની તક છે. શુભમન ગિલ કેપ્ટન તરીકે પોતાની પહેલી ટેસ્ટ સિરીઝ રમી રહ્યો છે. આ પરિસ્થિતિમાં સિરીઝ ડ્રો કરવી એ પણ એક મોટી સિદ્ધિ કહી શકાય.


  • Follow us on: