ICCએ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે, જેમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ICC મહિલા ODI બેટિંગ રેન્કિંગમાં ભારતની ડેશિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાનું શાસન સમાપ્ત થઈ ગયું છે. સ્મૃતિ મંધાના એક સ્થાન ગુમાવી ચૂકી છે અને હવે તે નંબર-1 થી બીજા સ્થાને આવી ગઈ છે.
સ્મૃતિ મંધાનાના સ્થાને ઈંગ્લેન્ડની કેપ્ટન નેટ સાયવર-બ્રન્ટ હવે ODI માં નંબર-1 મહિલા બેટ્સમેન બની ગઈ છે. ભારત સામેની ત્રણ મેચની ODI સિરીઝની નિર્ણાયક મેચમાં 98 રનની શાનદાર ઈનિંગ રમીને નેટ સાયવર-બ્રન્ટે ફરી એકવાર ICC મહિલા ODI બેટિંગ રેન્કિંગમાં નંબર 1 સ્થાન મેળવ્યું છે. ડરહામમાં રમાયેલી છેલ્લી મેચમાં ઓપનરો વહેલા આઉટ થયા પછી નેટ સાઈવર-બ્રન્ટે ઈનિંગ સંભાળી હતી, પરંતુ ઈંગ્લેન્ડની ટીમ 13 રનથી મેચ હારી ગઈ હતી અને ભારતે સિરીઝ 2-1 થી જીતી હતી.
નેટ સાયવર-બ્રન્ટે પોતાના કરિયરમાં ત્રીજી વખત ટોપનું સ્થાન મેળવ્યું છે, તેને સ્મૃતિ મંધાનાને માત્ર ત્રણ પોઈન્ટના નાના અંતરથી પાછળ છોડી દીધી છે. આ પહેલા તે જુલાઈ 2023 થી એપ્રિલ 2024 અને પછી જૂનથી ડિસેમ્બર 2024 સુધી નંબર-1 રહી હતી.
હરમનપ્રીત અને જેમિમા રોડ્રિગ્સને થયો ફાયદો
ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે નિર્ણાયક મેચમાં 84 બોલમાં 102 રનની શાનદાર સદી ફટકારી હતી, જેના કારણે તે રેન્કિંગમાં 10 સ્થાન ઉપર આવીને 11મા સ્થાને પહોંચી ગઈ છે. તેની સાથી બેટ્સમેન જેમિમા રોડ્રિગ્સ 2 સ્થાન ઉપર આવીને 13મા સ્થાને પહોંચી ગઈ છે, અને રિચા ઘોષ 9 સ્થાન ઉપર આવીને 39મા સ્થાને પહોંચી ગઈ છે. 516 પોઈન્ટ સાથે રિચા ઘોષનું આ કરિયરનું બેસ્ટ રેન્કિંગ છે.
આઈરિશ ખેલાડીઓને પણ થયો ફાયદો
બેલફાસ્ટમાં આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી બે મેચની ODI સિરીઝ બાદ ઘણા ખેલાડીઓના રેન્કિંગમાં સુધારો થયો છે. આયર્લેન્ડે આ સિરીઝ 2-0 થી જીતી હતી. આ સિરીઝની બેસ્ટ ખેલાડી ઓર્લા પ્રેન્ડરગાસ્ટ 12 સ્થાન ઉપર આવીને સંયુક્ત 22મા સ્થાને પહોંચી ગઈ છે. આ સાથે તે બોલરોના રેન્કિંગમાં 10 સ્થાન ઉપર આવીને 33મા સ્થાને પહોંચી ગઈ છે. ઓર્લા હવે ઓલરાઉન્ડરોના ટોપ 10 લિસ્ટમાં પણ સામેલ થઈ ગઈ છે. આયર્લેન્ડના કેપ્ટન ગેબી લુઈસ એક સ્થાન ઉપર આવીને 17મા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે એમી હન્ટર બે સ્થાન ઉપર આવીને 28મા સ્થાને પહોંચી ગઈ છે.