લોર્ડ્સના મેદાન પર ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કર્યો. રવિન્દ્ર જાડેજાએ ભારતીય ટીમને જીત માટે આગળ વધારવા માટે બેસ્ટ પ્રયાસ કર્યો, પરંતુ બીજા છેડેથી તેને અન્ય બેટ્સમેનોનો સપોર્ટ મળી શક્યો નહીં. ભારતીય ટીમ જીતથી માત્ર 22 રન દૂર રહી.
જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે પણ ટીમની હાર ટાળવા માટે ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ અંતે જીત ઈંગ્લેન્ડના પક્ષમાં આવી. 193 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે આખી ભારતીય ટીમ 170 રન બનાવીને ઓલઆઉટ થઈ. લોર્ડ્સમાં ભારતના ટોપ ઓર્ડરનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું. ત્રીજી ટેસ્ટમાં હાર બાદ ભૂતપૂર્વ ક્રિકેટર મદન લાલે વિરાટ કોહલીને ટેસ્ટ નિવૃત્તિમાંથી પરત ફરવા વિનંતી કરી છે.
મદન લાલે વિરાટ કોહલીને કરી રિક્વેસ્ટ
મદન લાલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે 'વિરાટ કોહલીના ભારતીય ક્રિકેટ પ્રત્યેના જુસ્સાની સરખામણી કોઈ કરી શકે નહીં. મારી ઈચ્છા છે કે તે ટેસ્ટ ક્રિકેટમાં સંન્યાસ પછી પાછો આવે. પાછા આવવામાં કોઈ નુકસાન નથી. જો તે આ સિરીઝમાં પાછો નહીં આવે, તો તેને આગામી સિરીઝમાં વાપસી કરવાનું વિચારવું જોઈએ. મારા મતે તેને નિવૃત્તિનો પોતાનો નિર્ણય બદલવો જોઈએ, કારણ કે તે હજુ પણ એકથી બે વર્ષ સુધી આરામથી રમી શકે છે. વિરાટ કોહલી માટે યુવા ખેલાડીઓ સાથે પોતાનો અનુભવ શેર કરવો મહત્વપૂર્ણ છે. હજુ મોડું થયું નથી. કૃપા કરીને પરત આવો.”
લોર્ડ્સમાં લડાઈ બાદ હારી ગઈ ટીમ ઈન્ડિયા
શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમને લોર્ડ્સ ગ્રાઉન્ડ પર રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં 22 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ જસપ્રીત બુમરાહ અને પછી મોહમ્મદ સિરાજ સાથે અંત સુધી લડત આપી હતી. પરંતુ અંતે જીત બ્રિટિશરો પાસે ગઈ. રવિન્દ્ર જાડેજાએ 181 બોલનો સામનો કર્યો અને 61 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો. તેને બુમરાહ-સિરાજ સાથે કુલ 212 બોલ રમ્યા.
રવિન્દ્ર જાડેજા લાંબા સમય સુધી વિજય અને ઇંગ્લેન્ડ વચ્ચે મજબૂત રીતે ઉભો રહ્યો. પરંતુ બીજા છેડેથી અન્ય બેટ્સમેનોના સહયોગના અભાવે રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયાની હાર ટાળી શક્યો નહીં. લોર્ડ્સ ખાતેની જીત સાથે ઈંગ્લેન્ડે સિરીઝમાં 2-1ની લીડ પણ મેળવી લીધી છે.