રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેને ચોથી ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી અને તેના કારણે ભારતીય ટીમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં સફળ રહી હતી. હવે પાંચમી ટેસ્ટની બીજી ઈનિંગમાં તેને શાનદાર બેટિંગ કરીને અડધી સદી ફટકારી છે અને 53 રનની ઈનિંગ રમી છે.


ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં 500+ રન બનાવ્યા

પાંચમી ટેસ્ટમાં અડધી સદી ફટકારીને રવિન્દ્ર જાડેજા ટેસ્ટ સિરીઝમાં નંબર 6 કે તેથી નીચે બેટિંગ કરતી વખતે સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં તેને અત્યાર સુધી 5 મેચમાં કુલ 508 રન બનાવ્યા છે.

આ પહેલા વીવીએસ લક્ષ્મણે 2002 માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝમાં નંબર 6 કે તેથી નીચે બેટિંગ કરતી વખતે 474 રન બનાવ્યા હતા. હવે રવિન્દ્ર જાડેજાએ વીવીએસ લક્ષ્મણનો આ 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તેને નંબર 6 કે તેથી નીચે બેટિંગ કરતી વખતે ટેસ્ટ સિરીઝમાં રન બનાવવાના મામલે બધા ભારતીય ખેલાડીઓને પાછળ છોડી દીધા છે અને પહેલું સ્થાન મેળવ્યું છે.


ટેસ્ટ ક્રિકેટમાં ફટકારી છે 5 સદી

રવિન્દ્ર જાડેજા પોતાની આક્રમક બેટિંગ અને બોલિંગ માટે જાણીતો છે. તેને ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં 7 વિકેટ પણ લીધી છે. તેની પાસે કોઈપણ વિરોધી ટીમને બરબાદ કરવાની તાકાત છે. તેને અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં 3886 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 27 અડધી સદીનો સામેલ છે. તેને 2012 માં ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેને 84 ટેસ્ટ મેચોમાં કુલ 330 વિકેટ લીધી છે, જેમાં 15 વખત 5 વિકેટ પણ સામેલ છે.

યશસ્વી જયસ્વાલે સદી ફટકારી

ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામેની પહેલી ઈનિંગમાં 224 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ઈંગ્લેન્ડની ટીમ પહેલી ઈનિંગમાં 247 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને પહેલા ઈનિંગના આધારે 23 રનની લીડ મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 9 વિકેટ ગુમાવીને 357 રન બનાવ્યા છે. બીજી ઈનિંગમાં ભારત તરફથી યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી, જ્યારે રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર અને આકાશ દીપે અડધી સદી ફટકારી હતી.


  • Follow us on: