ભારતીય ટીમ લીડ્સમાં મળેલી હાર બાદ કમબેકની તૈયારી કરી રહી છે. ભારતે આગામી મેચ બર્મિંગહામમાં રમવાની છે. જ્યાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ ખૂબ જ શરમજનક રહ્યો છે. આવામાં કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીર પર દબાણમાં વધારો થયો છે. પરંતુ એક ખેલાડી એવો છે જેનો બર્મિંગહામના મેદાન પર રેકોર્ડ શાનદાર રહ્યો છે.
આ ખેલાડી પહેલાથી જ આ મેદાન પર ઈંગ્લિશ ટીમ સામે રન બનાવી ચૂક્યો છે. જેના કારણે તે બીજી ટેસ્ટ મેચમાં કેપ્ટન ગિલનો સૌથી વિશ્વાસુ બેટ્સમેન બનશે.
બર્મિંગહામનો કિંગ છે રિષભ પંત
ઈંગ્લેન્ડના બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતીય ટીમ આગામી ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. જ્યાં વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. રિષભ પંતે 2022માં આ ગ્રાઉન્ડ પર ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમી હતી. જ્યાં તેને પાંચમા નંબર પર બેટિંગ કરતી વખતે પહેલી ઈનિંગમાં 111 બોલમાં 146 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
આ સિવાય તેને બીજી ઈનિંગમાં 86 બોલમાં 57 રન પણ બનાવ્યા હતા. જો રિષભ પંત બીજી ટેસ્ટ મેચમાં પણ આ જ સ્ટાઈલમાં રમે છે, તો ટીમ ઈન્ડિયા સરળતાથી મોટો સ્કોર બનાવી શકે છે. જો ટીમ ઈન્ડિયા આ ગ્રાઉન્ડ પર મોટો સ્કોર કરે છે તો ઈંગ્લેન્ડ ટીમ દબાણમાં આવી શકે છે.
શાનદાર ફોર્મમાં છે રિષભ પંત
રિષભ પંતનું બેટ હંમેશા ઈંગ્લિશ ટીમ સામે શાનદાર ફોર્મમાં જોવા મળ્યું છે. તેને અત્યાર સુધીમાં ઈંગ્લિશ ધરતી પર 4 ટેસ્ટ સદી ફટકારી છે. જેમાંથી 2 સદી લીડ્સમાં છેલ્લી મેચમાં આવી હતી. રિષભ પંતે પહેલી ઈનિંગમાં 134 રન અને બીજી ઈનિંગમાં 118 રન બનાવ્યા હતા.
પરંતુ તે પછી પણ ટીમ ઈન્ડિયાને ખરાબ બોલિંગ અને ફિલ્ડિંગને કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. રિષભ પંતે બેટિંગની સાથે વિકેટકીપિંગમાં પણ પોતાની તાકાત બતાવવી પડશે. તે પછી જ ભારતીય ટીમ બેન સ્ટોક્સની સેનાને તેમના જ ઘરમાં હરાવી શકશે.