ટેસ્ટ ક્રિકેટમાં 20 જૂનથી શુભમન ગિલ પહેલીવાર ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળી રહ્યો છે. ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે, જ્યાં ટીમને લીડ્સના મેદાન પર સિરીઝની પહેલી મેચ રમવાની છે.
રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાં રિટાયરમેન્ટ બાદ શુભમન ગિલને આ ફોર્મેટનો સિલેક્ટર્સે આગામી કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો છે. હવે ફેન્સની નજર શુભમન ગિલના પ્રદર્શન પર ટકેલી છે કે એક કેપ્ટન અને બેટ્સમેન્ તરીકે ઈંગ્લેન્ડ સામે આગામી ટેસ્ટમાં કેવું પ્રદર્શન કરશે. આ દરમિયાન મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે પણ આ વિશે એક નિવેદન આપ્યું છે, જેમાં શુભમન ગિલને એક ખાસ સલાહ આપી છે કે તેને બહારની દુનિયાના અવાજથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.
ભારતીય ટીમની કેપ્ટનશિપ કરવી ખૂબ પ્રેશરવાળું કામ છે
સચિન તેંડુલકરે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આગામી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થયા પહેલા મીડિયા સાથે વાતચીતમાં પોતાના એક નિવેદનમાં શુભમન ગિલને લઈને કહ્યું કે મને લાગે છે કે શુભમનને સમય અને સપોર્ટ બંનેની જરૂર છે, કારણ કે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરવી ખૂબ દબાણનું કામ હોય છે. તમારી સામે ઘણા પ્રકારના ઉપાયો બતાવવામાં આવશે કે આવું કરવું જોઈએ અથવા આમ કરવું જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખવી પડશે કે ટીમને શું જરૂરી છે. ટીમના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ.
બહારના અવાજ પર ધ્યાન આપવાની જરૂર નથી
સચિન તેંડુલકરે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું છે કે શુભમન ગિલે એક કેપ્ટન તરીકે બહારના અવાજ પર ધ્યાન આપવાની જરૂર નથી. લોકો પોતાનો અભિપ્રાય આપતાં રહેશે, પરંતુ છેલ્લે તે મહત્ત્વનું છે કે ડ્રેસિંગ રૂમનો માહોલ કેવો છે અને ટીમના હિતમાં ક્યો નિર્ણય લેવો જોઈએ, આ સિવાય કંઈ પણ નહીં.
ઈંગ્લેન્ડની પરિસ્થિતિ અંગે સચિને ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને પણ સલાહ આપી હતી કે તેમને પરિસ્થિતિઓ મુજબ રણનીતિ બનાવવી પડશે કારણ કે તમે અહીં રમી શકતા નથી કારણ કે મારી રમત આવી છે અને હું આવી રમીશ. બેટ્સમેનોએ થોડી ધીરજ બતાવવી પડશે.