ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે પહેલી ઈનિંગમાં 269 રન બનાવીને ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા. હવે બીજી ઈનિંગમાં પણ કેપ્ટન ગિલે પોતાના બેટનો જાદુ બતાવ્યો છે.
શુભમન ગિલે બીજી ઈનિંગમાં પણ શાનદાર બેટિંગ કરીને કેપ્ટન તરીકે ઈતિહાસ રચ્યો છે. આ સિવાય તેને મહાન વિરાટ કોહલી અને સુનીલ ગાવસ્કરના મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. શુભમન ગિલે બીજી ઈનિંગમાં પણ 5 મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
શુભમન ગિલે પોતાના નામે બનાવ્યો મોટો રેકોર્ડ
સમાચાર લખાઈ ત્યાં સુધી ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે બર્મિંગહામ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં 80 રન બનાવ્યા છે. પરંતુ સદી ફટકારતા પહેલા જ શુભમન ગિલે 5 મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.
શુભમન ગિલ ઈંગ્લેન્ડની ધરતી પર 1 ટેસ્ટ મેચમાં 300 થી વધુ રન બનાવનાર પહેલો એશિયન બેટ્સમેન બન્યો છે. આ સિવાય તે ટેસ્ટ મેચમાં 300 રનનો આંકડો પાર કરનાર પહેલો ભારતીય કેપ્ટન પણ બન્યો છે. આ સિવાય કેપ્ટન તરીકે પહેલી 2 ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ શુભમન ગિલના નામે નોંધાયો. શુભમન ગિલે અત્યાર સુધીમાં 482 રન બનાવ્યા છે. આ પહેલા આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો, જેને 449 રન બનાવ્યા હતા.
દિગ્ગજ સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ પણ તૂટ્યો
શુભમન ગિલ કેપ્ટન તરીકે ડેબ્યૂ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે. વિરાટ કોહલીએ તેની ડેબ્યૂ સિરીઝમાં 449 રન બનાવ્યા હતા. જ્યારે ગિલે તેની ચોથી ઈનિંગમાં જ 482 રનનો આંકડો પાર કર્યો છે. પાંચમા રેકોર્ડની વાત કરીએ તો શુભમન ગિલ હવે એક ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ દિગ્ગજ સુનીલ ગાવસ્કરના નામે હતો. જેને 1971માં વેસ્ટ ઈન્ડિઝ સામે 344 રન બનાવ્યા હતા. શુભમન ગિલે બર્મિંગહામ ટેસ્ટ મેચમાં પણ 350 રનનો આંકડો પાર કર્યો છે.