શુભમન ગિલ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે અને તેને ટેસ્ટ સિરીઝમાં રનનો વરસાદ કર્યો છે. ઈંગ્લેન્ડના બોલરો તેની સામે સંપૂર્ણપણે બિનઅસરકારક સાબિત થયા છે. વિરોધી બોલરોને સમજાયું નહીં કે આખી ટેસ્ટ સિરીઝ દરમિયાન કઈ રણનીતિ અપનાવવી.
શુભમન ગિલે ચોથી ટેસ્ટ મેચમાં પણ સદી ફટકારી છે, જે ચાલુ ટેસ્ટ સિરીઝમાં તેની ચોથી સદી છે. તે 238 બોલમાં 103 રન બનાવીને આઉટ થઈ ગયો છે.
ટેસ્ટ સિરીઝમાં 700+ રન કર્યા પૂર્ણ
શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં અત્યાર સુધીમાં કુલ 700+ રન બનાવ્યા છે. આ સાથે તે ટેસ્ટ સિરીઝમાં 700+ રન બનાવનાર માત્ર બીજો ભારતીય કેપ્ટન બન્યો છે. તેના પહેલા સુનીલ ગાવસ્કરે 1978-79 માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝમાં 732 રન બનાવ્યા હતા. સુનીલ ગાવસ્કર અને શુભમન ગિલ સિવાય કોઈ અન્ય ભારતીય કેપ્ટન ટેસ્ટ સિરીઝમાં 700+ રન બનાવી શક્યો નથી.
બ્રેડમેનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી
આ સિવાય ટેસ્ટ સિરીઝમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ ડોન બ્રેડમેન અને સુનીલ ગાવસ્કરના નામે હતો. ડોન બ્રેડમેને 1947/48 ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે ચાર સદી ફટકારી હતી અને સુનીલ ગાવસ્કરે 1978-79 ટેસ્ટ સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ચાર સદી ફટકારી હતી. હવે શુભમન ગિલે કેપ્ટન તરીકે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં 4 સદી ફટકારી છે અને આ બંને દિગ્ગજોના રેકોર્ડની બરાબરી કરી છે.
વર્તમાન ટેસ્ટ સિરીઝમાં ફટકારી 4 સદી
શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં 147 રનની ઈનિંગ રમી હતી. ત્યારબાદ બીજી ટેસ્ટમાં તેનું પ્રદર્શન વધુ સારું રહ્યું. આ મેચમાં તેને ઈંગ્લિશ બોલરોને હેરાન કર્યા. તેને પહેલી ઈનિંગમાં 269 રન અને બીજી ઈનિંગમાં 161 રન બનાવ્યા. તેના કારણે જ ભારતીય ટીમે 336 રનથી મેચ જીતી હતી. હવે ચોથી ટેસ્ટ મેચમાં પણ તે સારી બેટિંગ કરી હતી અને સદી ફટકારી છે.