5 વિકેટ ગુમાવીને ટીમ ઈન્ડિયાએ 310 રન બનાવી લીધા છે. આ દરમિયાન પૂર્વ ઈંગ્લિશ ખેલાડી સ્ટીફન ફિને બીજી ટેસ્ટની બાઉન્ડ્રી લાઈનને લઈને મોટો ખુલાસો કર્યો છે કે આ મેચની બાઉન્ડ્રી લાઈનને નોર્મલ ટેસ્ટ મેચથી નાની કરી દેવામાં આવી છે.
તેમનું નિવેદન સામે આવ્યા બાદ ફેન્સ હેરાન છે. હવે સવાલ એ છે કે ઈંગ્લેન્ડની ટીમે આવું કેમ કર્યું, તેનું કારણ સ્ટીફન ફિને જણાવ્યું.
સ્ટીવન ફિને કર્યો મોટો ખુલાસો
બીબીસી બ્રોડકાસ્ટ પર સ્ટીવન ફિને કહ્યું કે 'અમે એજબેસ્ટનમાં હતા. હું બાઉન્ડ્રી લાઈન પાસે ઉભો હતો. તે સામાન્ય ટેસ્ટ મેચ કરતા ઘણો નાની લાગી રહી હતી. ઈંગ્લેન્ડની ટીમ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેવા માગે છે અને છેલ્લી ઈનિંગમાં જે પણ ટાર્ગેટ મળે તેનો પીછો કરવા માગે છે. એટલા માટે બાઉન્ડ્રી આટલી નાની બનાવવામાં આવી છે.'
ઘણા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં એવું જોવા મળે છે કે ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને તેમને જે પણ ટાર્ગેટ મળે છે, તે તેમને સરળતાથી પ્રાપ્ત કરી લીધું છે. ફિનના આ નિવેદનથી ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ભારત સામે રમાયેલી પહેલી ટેસ્ટમાં પણ ઈંગ્લેન્ડે 371 રનનો ટાર્ગેટ પાંચ વિકેટ બાકી રાખીને હાંસલ કર્યો હતો.
શુભમન ગિલે ફટકારી સદી
ટીમ ઈન્ડિયાએ રમતના પહેલા દિવસે શાનદાર બેટિંગ કરી અને ઈંગ્લેન્ડના બોલરો પર દબાણ બનાવ્યું. ટીમ તરફથી કેપ્ટન શુભમન ગિલે પહેલા દિવસે પોતાની સદી પૂર્ણ કરી. તેને અત્યાર સુધી 114 રનની અણનમ ઈનિંગ રમી છે. યશસ્વી જયસ્વાલે પણ વિસ્ફોટક બેટિંગ કરી અને 87 રન બનાવ્યા. યશસ્વી જયસ્વાલે ઈનિંગ દરમિયાન 13 ચોગ્ગા ફટકાર્યા. પહેલી ટેસ્ટમાં સદી ફટકારનાર કેએલ રાહુલ બીજી ઈનિંગમાં 2 રન બનાવીને આઉટ થયો. આ મેચમાં પણ તેની પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા હતી પરંતુ રાહુલે ફેન્સને નિરાશ કર્યા.
કરુણ નાયરે 31 રન બનાવ્યા જ્યારે વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત 25 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. યુવા ખેલાડી નીતિશ કુમાર રેડ્ડી પણ 1 રનના સ્કોર પર આઉટ થયો. રવિન્દ્ર જાડેજા પહેલા દિવસની રમતના અંત સુધી કેપ્ટન શુભમન ગિલ સાથે બેટિંગ કરી રહ્યો છે. તેને 41 રનની અણનમ ઈનિંગ રમી છે. રમતનો બીજો દિવસ બંને ટીમો માટે મહત્વપૂર્ણ રહેશે.