યશસ્વી જયસ્વાલે ભારતીય ટેસ્ટ ટીમ માટે વર્ષ 2023માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે અને મહત્ત્વ ખેલાડી બની રમી રહ્યો છે. ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં તેને શાનદાર ઈનિંગ રમી અને 87 રન બનાવ્યા.
2000 રન પૂર્ણ કરવાથી ચૂક્યો યશસ્વી જયસ્વાલ
યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં 87 રન બનાવ્યા, જેમાં 13 ચોગ્ગા સામેલ છે. માત્ર 10 રનથી જ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 2000 રન પૂર્ણ કરવાથી ચૂકી ગયો. તે ભારત માટે 39મી ટેસ્ટ ઈનિગ રમી રહ્યો હતો.
આ ઈનિંગમાં માત્ર 10 રન બનાવતો, તો તે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર પહેલો બેટ્સમેન બની જતો. પરંતુ તે આવું કરી શક્યો નહીં. ભારતીય ટીમ માટે વીરેન્દ્ર સહેવાગ અને રાહુલ દ્રવિડે 40-40 ટેસ્ટ ઈનિંગમાં 2000 રન પૂર્ણ કર્યા હતા, જે ભારત માટે સૌથી ઝડપી 2000 રન પૂર્ણ કરવાનો રેકોર્ડ છે.
આ બંને ખેલાડીઓનો રેકોર્ડ તૂટી શકશે નહીં. જો યશસ્વી જયસ્વાલ ઈંગ્લેન્ડ સામેની બીજી ઇનિંગમાં 10 રન વધુ બનાવે છે, તો તે તેની 40મી ઈનિંગ હશે. પછી તે સેહવાગ-દ્રવિડનો રેકોર્ડ તોડી શકશે નહીં. તે ફક્ત તેની બરાબરી કરી શકશે.
ભારત માટે ફટકારી છે 5 સદી
યશસ્વી જયસ્વાલે ભારત માટે અત્યાર સુધીમાં 21 ટેસ્ટ મેચોમાં 1990 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 5 સદી અને 12 અડધી સદી ફટકારી છે. તે ઘરે રમી રહ્યો હોય કે વિદેશમાં. તેને દરેક જગ્યાએ પોતાની ક્ષમતા સાબિત કરી છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ બંને પ્રવાસો પર તેને તેની પહેલી જ ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે.
છેલ્લી મેચમાં ફટકારી સદી
યશસ્વી જયસ્વાલ હાલમાં શાનદાર ફોર્મમાં છે અને ઈંગ્લેન્ડ સામે તેનું બેટ ઘણા રન બનાવી રહ્યું છે. તેને છેલ્લી મેચમાં પણ સદી ફટકારી હતી. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવા માટે ભારતના પ્રવાસે ગઈ હતી, ત્યારે તેને બે બેવડી સદી ફટકારી હતી.
0-1થી પાછળ છે ટીમ ઈન્ડિયા
ભારતીય ટીમ માટે ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું. ભારતે પહેલી ઈનિંગમાં 471 અને બીજી ઈનિંગમાં 364 રન બનાવ્યા. પરંતુ બોલરોના નબળા પ્રદર્શનને કારણે ટીમને હારનો સામનો કરવો પડ્યો. જસપ્રીત બુમરાહે પહેલી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી, પરંતુ તે બીજી ઈનિંગમાં એક પણ વિકેટ લઈ શક્યો નહીં. હાર સાથે ટીમ ઈન્ડિયા સિરીઝમાં 0-1 થી પાછળ છે.













