ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી શરૂ થનારી બહુપ્રતિક્ષિત 5 મેચની ટેસ્ટ સિરીઝને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિરીઝના વિજેતા કેપ્ટનને 'પટૌડી મેડલ'થી સન્માનિત કરવામાં આવશે.
આ પહેલ દ્વારા ભારત અને ઈંગ્લેન્ડ ક્રિકેટ ઈતિહાસની આ ઐતિહાસિક પ્રતિદ્વંદ્વિતામાં પટૌડી પરિવારનું નામ હંમેશા જોડાયેલું રહેશે.
પટૌડી પરિવારનો ભારત-ઈંગ્લેન્ડ ક્રિકેટ સાથે ખાસ સંબંધ
પટૌડી પરિવાર બંને દેશોના ક્રિકેટ વારસામાં ખાસ સંબંધ છે. ઈફ્તિખાસ અલી ખાન પટૌડી અને તેમના પુત્ર મંસૂર અલી ખાન પટૌડી, બંનેએ ભારત માટે ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરી અને ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી. આ કારણ છે કે વર્ષાથી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝને 'પટૌડી ટ્રોફી' નામથી રમવામાં આવતી હતી.
તેંડુલકર-એન્ડરસન ટ્રોફી પર ઊભો થયો વિવાદ
હાલમાં જ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આ ટ્રોફીનું નામ બદલીને તેંડુલકર-એન્ડરસન ટ્રોફી રાખવાનો નિર્ણય લીધો હતો. તેની ઓફિશિયલ જાહેરાત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન ફાઈનલ દરમિયાન લોર્ડ્સમાં કરવાની હતી, પરંતુ અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયાના પ્લેન ક્રેસ દુર્ઘટનાને કારણે આ કાર્યક્રમ સ્થગિત રાખવામાં આવ્યો.
આ નિર્ણય પર પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર સહિત ઘણા દિગ્ગજોએ નારાજગી વ્યક્ત કરી હતી, આ બાદ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે પણ ECBનો ડાયરેક્ટ સંપર્ક કર્યો અને વિનંતી કરી કે પટૌડી પરિવારનું નામ ભારત-ઈંગ્લેન્ડ ક્રિકેટના ઈતિહાસનું ભાગ બની રહેવું જોઈએ.
આ મુદ્દાનું નિરાકરણ લાવવામાં ICCના ચેરમેને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. સૂત્રોના જણાવ્યા મુજબ IIC ચેરમેન અને સચિન તેંડુલકરની પહેલ બાદ ECBની સહમતિથી નક્કી કરવામાં આવ્યું કે ભલે ટ્રોફીનું નામ 'તેંડુલકર-એન્ડરસન ટ્રોફી' રાખવામાં આવે, પરંતુ વિજેતા ટીમના કેપ્ટનને 'પટૌડી મેડલ' આપવામાં આવશે.
19 જૂને થશે ઓફિશિયલ જાહેરાત
આ નવી ઓફિશિયલ જાહેરાત 19 જૂને લીડ્સમાં સિરીઝની પહેલી ટેસ્ટના એક દિવસ પહેલા કરવામાં આવશે. તેંડુલકર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે, જ્યારે જેમ્સ એન્ડરસન ટેસ્ટ ઈતિહાસમાં સૌથી સફળ બોલર છે. આ નિર્ણય બાદ ભારત-ઈંગ્લેન્ડ ક્રિકેટ ઈતિહાસમાં શાહી પટૌડી પરિવારનું નામ સમ્માનની સાથે હંમેશા જોડાયેલું રહેશે.