ભારતીય ટીમના ઉભરતા સ્ટાર વૈભવ સૂર્યવંશીએ IPL 2025 પછી પાછળ વળીને જોયું નથી. IPL 2025 માં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યા પછી વૈભવ સૂર્યવંશીએ હવે અંડર-19 ટીમ ઈન્ડિયા માટે ઈંગ્લેન્ડમાં ધૂમ મચાવી છે.


વૈભવ સૂર્યવંશીએ સિરીઝની ચોથી વનડે મેચમાં શાનદાર સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. વૈભવે આ ઈનિંગમાં ઈંગ્લેન્ડના બોલરોને જોરદાર રીતે હેરાન કર્યા છે.

વૈભવ સૂર્યવંશીએ મચાવી ધૂમ

ઈંગ્લેન્ડની અંડર-19 ટીમ સામેની પહેલી યુવા વનડે મેચમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 19 બોલમાં 48 રન બનાવ્યા હતા. વનડેને T20 બનાવનારા વૈભવ સૂર્યવંશીએ બીજી યુવા વનડે મેચમાં 34 બોલમાં 45 રન બનાવ્યા હતા.


બંને મેચમાં અડધી સદી ફટકારવામાં ચૂકી ગયા બાદ વૈભવે ત્રીજી યુવા વનડે મેચમાં માત્ર 31 બોલમાં 86 રનની ઝડપી ઈનિંગ રમી હતી. પરંતુ તે સદી ચૂકી જવાથી દુ:ખી હતો. જેનો અંત તેને ચોથી યુવા વનડે મેચમાં કર્યો હતો. આ મેચમાં તેને માત્ર 52 બોલમાં સદી ફટકારી હતી. અંડર-19 સ્તરે કોઈપણ બેટ્સમેન દ્વારા આ સૌથી ઝડપી સદી છે. વૈભવ સૂર્યવંશીની સામે ઈંગ્લેન્ડના બોલરો ખરાબ રીતે નિષ્ફળ રહ્યા છે.

વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો કર્યો વરસાદ

ઉભરતા સ્ટાર ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ આ મેચમાં માત્ર 78 બોલમાં 143 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં 13 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થતો હતો. સૂર્યવંશીની સાથે વિહાન મલ્હોત્રાએ પણ શાનદાર સદી ફટકારી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 363 રન બનાવી લીધા છે. વૈભવ સૂર્યવંશી હાલમાં જે રીતે સતત રન બનાવી રહ્યો છે, તે જોતાં તે હાલમાં ભારતીય ટીમથી બહુ દૂર નથી.  

ભારતીય અંડર-19 ટીમ છે આગળ

ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય અંડર-19 ટીમે પહેલી મેચ 6 વિકેટથી જીતી હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડની અંડર-19 ટીમે બીજી મેચમાં વાપસી કરી અને એક વિકેટથી મેચ જીતી લીધી. ભારતીય અંડર-19 ટીમે ત્રીજી મેચ ચાર વિકેટથી જીતી લીધી. આ રીતે ભારતીય અંડર-19 ટીમ સિરીઝમાં 2-1થી આગળ છે.

  • Follow us on: