ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 5 મેચની T20I સિરીઝની ચોથી મેચ માટે વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી. પરંતુ વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવે અક્ષર પટેલની વાપસી અંગે મોટી હિન્ટ આપી.


અક્ષર ક્યારે પરત ફરશે?

ઓલરાઉન્ડર અક્ષર પટેલની ગેરહાજરીનું કારણ સ્પષ્ટ છે. સિરીઝની પહેલી મેચમાં બોલિંગ કરતી વખતે અક્ષરને આંગળીમાં ઈજા થઈ હતી અને તે મેદાન છોડીને ગયો હતો. બીજી મેચમાં કુલદીપ યાદવે તેની જગ્યાએ સ્થાન મેળવ્યું હતું અને તે ત્રીજી મેચ પણ ચૂકી ગયો હતો. ટોસ દરમિયાન સૂર્યકુમાર યાદવે સ્ટાર ઓલરાઉન્ડરની ફિટનેસને લઈને અપડેટ આપતા કહ્યું કે અક્ષર પટેલને થોડો વધુ સમય જોઈએ છે. તે આગામી મેચમાં પરત ફરે તેવી અપેક્ષા છે.

બીજી તરફ વરુણ ચક્રવર્તીએ સિરીઝની પહેલી બે T20 મેચમાં 3 વિકેટ લીધી હતી, પરંતુ ત્યારબાદ સતત ત્રીજી મેચમાં બહાર બેસવું પડ્યું હતું. ટીમ મેનેજમેન્ટે સ્પિન વિભાગમાં કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઈને પ્રાથમિકતા આપી છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે રવિ બિશ્નોઈ T20 વર્લ્ડકપ ટીમનો ભાગ નથી, તેથી વરુણની સતત ગેરહાજરી અનેક સવાલો ઉભા કરે છે. એવું માનવામાં આવે છે કે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને વર્કલોડ મેનેજમેન્ટના ભાગ રૂપે વરુણ ચક્રવર્તીને બ્રેક આપવામાં આવી રહ્યો છે.

ઈશાન કિશન થયો ઈજાગ્રસ્ત

ભારતે ન્યુઝીલેન્ડ સામેની ચોથી T20Iમાં એક વધારાનો બોલર મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો. ઈશાન કિશનને પાછલી મેચમાં થયેલી ઈજાને કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે અને તેના સ્થાને અર્શદીપ સિંહને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ન્યુઝીલેન્ડે પણ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે, જેમાં કાયલ જેમિસનની જગ્યાએ જેક ફોલ્ક્સને સામેલ કરવામાં આવ્યો છે.

ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન

ટિમ સાઈફર્ટ (વિકેટકીપર), ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિચેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), જેક ફોલ્ક્સ, મેટ હેનરી, ઈશ સોઢી, જેકબ ડફી.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ.

આ પણ વાંચો: T20 World Cup 2026 પહેલા ઈટાલીએ સર્જ્યો મોટો અપસેટ, પૂર્ણ-સભ્ય ટીમ સામે મેળવી પહેલી જીત


  • Follow us on: