ભારતીય ટેસ્ટ ક્રિકેટની દીવાલ ગણાતા ચેતેશ્વર પુજારાએ 24 ઓગસ્ટ 2025 રવિવારના રોજ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 37 વર્ષની ઉંમરે તેને 103 ટેસ્ટ મેચમાં 7195 રન બનાવ્યા અને 19 સદી ફટકારી.


ચેતેશ્વર પુજારાએ ધીરજ, ટેકનિક અને માનસિક શક્તિનું ઉદાહરણ આપતા તેના કરિયરે ભારતીય ક્રિકેટમાં એક અલગ ઓળખ બનાવી. જ્યારે ચેતેશ્વર પુજારાએ ક્રિકેટને અલવિદા કહી દીધું છે, ત્યારે સમગ્ર ક્રિકેટ જગત તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ આપી રહ્યું છે.

બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટમાં ચેતેશ્વર પુજારાના યોગદાનનો ઉલ્લેખ કર્યો અને તેમને ભારતીય બેટિંગનો મજબૂત સ્તંભ ગણાવ્યા. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે ચેતેશ્વર પુજારાનું કરિયર દૃઢ નિશ્ચય અને નિઃસ્વાર્થ રમતનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેમને ટેસ્ટ ક્રિકેટની ભાવનાને મૂર્તિમંત કરી. વિરોધી આક્રમણનો નાશ કરવાની તેમની ક્ષમતા અને એકાગ્રતાની તેમની અપાર શક્તિએ તેમને ભારતીય બેટિંગનો મજબૂત સ્તંભ બનાવ્યો.


સચિન તેંડુલકરે એક્સ પર લખ્યું છે કે ચેતેશ્વર પુજારા, તને ત્રીજા નંબરે રમતા જોવું હંમેશા આનંદદાયક રહ્યું. જ્યારે પણ તું રમ્યો, ત્યારે તું ધીરજ, હિંમત અને ટેસ્ટ ક્રિકેટ માટે ઊંડો જુસ્સો લઈને આવ્યો. સચિન તેંડુલકરે કહ્યું કે દબાણ હેઠળ તારી મજબૂત ટેકનિક અને ધીરજ ટીમ માટે આધારસ્તંભ રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં 2018ની સિરીઝ જીત ઘણી સિદ્ધિઓમાંની એક છે. તારી અવિશ્વસનીય સ્થિતિસ્થાપકતા અને મેચ-વિનિંગ રન વિના તે શક્ય ન હોત.


ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે રાષ્ટ્રીય ટીમ પ્રત્યે ચેતેશ્વર પુજારાની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. યુવરાજ સિંહે લખ્યું કે એક એવો વ્યક્તિ જેણે હંમેશા દેશ માટે પોતાનું મન, શરીર અને આત્મા આપી દીધા. પુજ્જીને શાનદાર કારકિર્દી માટે ખૂબ ખૂબ અભિનંદન. ફરી મળીશું.


ચેતેશ્વર પુજારાના લાંબા સમયના સાથી અજિંક્ય રહાણેએ કહ્યું કે "પૂજ્જીને શાનદાર કારકિર્દી બદલ અભિનંદન. તમારી સાથે રમવાની દરેક ક્ષણનો આનંદ માણ્યો અને અમે સાથે મળેલા ખાસ ટેસ્ટ વિજયને હંમેશા યાદ રાખીશું. બીજી ઈનિંગ માટે શુભકામનાઓ."


  • Follow us on: